મુંબઈ, તા.૨૨
માનવતાને શરમાવે તેવી ભયાનક ઘટના મુંબઈમાંથી સામે આવી છે. પોલીસે એક સીરીયલ બળાત્કારીની ધરપકડ કરી છે, જેણે મૂકબધીર મહિલાઓને શિકાર બનાવ્યો હતો. ૧૬ વર્ષ જૂના બળાત્કારના કેસ પર કાર્યવાહી કરતા, આરોપીએ પૂછપરછ દરમિયાન એક કે બે નહીં, પરંતુ ૨૪ મૂકબધીર મહિલાઓનું જાતીય શોષણ કર્યાની કબૂલાત કરી હતી. જણાવી દઈએ કે, આરોપીનું નામ મહેશ પવાર છે, અને પોલીસે ૧૩ ડિસેમ્બરે તેની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, બળાત્કાર પીડિતા મૂકબધીર છે, આથી બોલી કે સાંભળી શકતી નથી. જાેકે, જાતીય શોષણથી કંટાળીને, તેણીએ પોતાનું મૌન તોડ્યું અને આરોપી વિરુદ્ધ જુબાની આપી હતી. પીડિતા પર ૨૦૦૯ માં બળાત્કાર થયો હતો, અને તેણીએ વોટ્સએપ વીડિયો કોલ દરમિયાન સાંકેતિક ભાષામાં ઘટનાની વિગતો તેના મિત્રો સાથે શેર કરી હતી. તેણીએ તેના મિત્રોને જણાવ્યું કે, આ ઘટના તે સગીર હતી ત્યારે બની હતી.
પીડીતાએ જણાવ્યું કે, એક બહેનપણી તેને પ્રવાસ પર લઈ જવાના બહાને મુંબઈ લઈ ગઈ હતી. ત્યાં, તેની સાથે રહેલા આ આરોપીએ તેણીને દારૂ પીવડાવ્યો અને તેના પર જાતીય શોષણ કર્યું હતું. તે ડરથી ચૂપ રહી, પરંતુ તાજેતરમાં જ ખબર પડી કે, તે વ્યક્તિ તેની મિત્રનું પણ જાતીય શોષણ કરી રહ્યો હતો, અને તેના કૃત્યોને કારણે તેણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ તેણીને ખૂબ જ હચમચાવી દીધી હતી. તેણીએ ચૂપ ન રહેવાની કસમ લીધી અને તેના મિત્રોને ઘટના વિશે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાની જુબાનીના આધારે, તેઓએ કેસ નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી હતી. પીડિતાની બહેનપણીને પણ તપાસમાં સામેલ કરવામાં આવી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પીડિતાએ જણાવ્યું કે, આરોપીએ ઘણી સ્ત્રીઓ પર જાતીય શોષણ કર્યું હતું, અને વર્ષોથી આવું કરી રહ્યો હતો. તેણે મહિલાઓના અશ્લીલ વીડિયો પણ બનાવ્યા, તેમને બ્લેકમેલ કર્યા અને તેમના પૈસા અને કિંમતી વસ્તુઓ પણ લૂંટી લીધી હતી. તેમની જુબાનીના આધારે, આરોપીની ઓળખ કરવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી છે.









