સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
સિટી ટુડે સુરત: નવી સિવિલ હોસ્પિટલના વર્ગ 3 ના કર્મચારી ઇકબાલ કડીવાલા સામે સંજય ઈઝાવા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટે કરેલા દાવાઓમાં હવે કડીવાલાએ સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વિવાદ વકર્યો છે.
જો કે સંજય ઈઝાવા સામે હવે હેરાનગતી અને માનહાનીની ફરિયાદ ઈકબાલ કડીવાલા દ્વારા ખટોદરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં ઉલ્લેખ છે કે સીવીલ સ્ટાફમાં નર્સ તરીકે ફરજ બજાવતા બિપીન મેકવાનને લાજપોર જેલ દ્વારા પાઠવાયેલા પત્ર સાથે ઈકબાલ કડીવાલાને કોઈ લેવા-દેવા ના હોવા છતાં તેનું નામ જોડીને વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી હોય તેમ નવી સિવિલ હોસ્પિટલના વર્ગ-3 કર્મચારી ઇકબાલ કડીવાળા સામે મહિલા નર્સિંગ સ્ટાફના શારીરિક અને માનસિક શોષણ, ભ્રષ્ટાચાર, સત્તાના દુરુપયોગ અને નર્સિંગ કોલેજોની સીટ ફિક્સિંગ જેવા ગંભીર આક્ષેપો સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ પુરાવા રજૂ કર્યા હતાં.
સાથે જ “છેડતીની ફરિયાદ હોવા છતાં ઈકબાલ કડીવાલા સામે કોઈ ફરિયાદ કેમ નથી.” જેવા પણ કાવા-દાવા કરતી પોસ્ટ, રીલ્સ શોર્ટ બનાવી ઈકબાલ કડીવાલાને બદનામ કરવાની કોશીશ કરી હોવાનો ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સાથે જ ખૂબ જ ભડકાઉ એઆઈ ફોટોસ સાથેની પોસ્ટ જેમાં કડીવાલા સાથે મહિલાના કાર્ટૂન વાળા ફોટોસ મૂકીને સાથે જ ઘણા ભડકાઉ વાક્યો પણ લખવામાં આવ્યા છે.
પોસ્ટ મૂજબ ઈકબાલ કડીવાલાથી આરોગ્ય કર્મચારી જ નહીં પણ તેના ઘરના લોકો પણ પરેશાન થઈ ગયા છે. અને આરોગ્ય ખાતામાં બદલી માટે કોઈની પાસે રકમ લીધી હોય, નીવૃત્તિ સમયે વાંધાવચકા કાઢી પ્રોવિડન્ડ ફંડ, ગ્રેજ્યુઈટી અને પેન્શન અટકાવ્યા હોય અને ગેરકાયદે છૂટા કર્યા હોય તો મારો સંપર્ક કરવો લખી ઈઝાવાએ પોતાનો નંબર પણ આપ્યો હતો. આમ સતત કડીવાલાને ઈઝાવા દ્વારા બદનામીના નામે હેરાન-પરેશના કરવામાં આવતા આખરે કંટાળીને ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

