
City today: 19 Ahmedabad
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે
કોંગ્રેસ દ્વારા તબક્કાવાર અમદાવાદની અન્ય મ્યુનિ. શાળાઓની મુલાકાત લેવામાં આવશે
અમદાવાદ શહેર કોંગ્રેસના અધ્યક્ષ સુશ્રી સોનલબેન પટેલની અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક થયા બાદ, તેમણે રાહુલ ગાંધી જી ના “છાત્રો કી ગુંજ” કાર્યક્રમ અંતર્ગત જીપીસીસીના વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને સાથે રાખી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી હતી.
ઉપરોકત પ્રસંગે ખાડિયાના કાઉન્સિલરો એડવોકેટ ઈલ્યાસખાન પઠાણ, ધ્રુવ કલાપી, મીનાબેન નાયક, બીરજુબેન તેમજ દરિયાપુરના કાઉન્સિલરો નીરવ બક્ષી, સમીરા યુસુફ શેખ(માર્ટીન), મોનાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન સુશ્રી સોનલબેન પટેલે શાળામાં ચાલી રહેલી શૈક્ષણિક તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ ડો. જાસ્મીનબેન સહિત સમગ્ર શિક્ષકમંડળની કામગીરીની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. સુશ્રી સોનલબેન પટેલે શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે અંગેના સૂચનો પણ મેળવ્યા હતા.
કાલુપુર પબ્લિક સ્કૂલની સુવ્યવસ્થિત કામગીરી, કલાસરૂમ, લેબોરેટરી, સ્વચ્છતા તથા સમગ્ર શૈક્ષણિક વાતાવરણની સુશ્રી સોનલબેન પટેલે પ્રશંસા કરી હતી.
સુશ્રી સોનલબેને જણાવ્યું હતું કે, “કાલુપુર પબ્લિક સ્કૂલ ખૂબ જ સરસ અને પ્રશંસનીય કામગીરી કરી રહી છે. આ શાળા જે રીતે શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે, તે જ પ્રકારની કામગીરી અન્ય મ્યુનિસિપલ શાળાઓમાં પણ થાય તે માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવશે.”
સુશ્રી સોનલબેને કાલુપુર પબ્લિક સ્કૂલને એક આદર્શ મોડલ સ્કૂલ તરીકે જોતા, શાળાની શ્રેષ્ઠ કામગીરી અને વ્યવસ્થાપનનું મોડલ અન્ય મ્યુનિસિપલ શાળાઓ સુધી પહોંચાડવા તથા અન્ય શાળાઓમાં પણ આવા શ્રેષ્ઠ શૈક્ષણિક માપદંડો અમલમાં આવે તે માટે કાર્ય કરવાની વાત કરી હતી.
સુશ્રી સોનલબેને વધુમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે શિક્ષણ સિવાયના અન્ય સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભા, રેલી કે મીટિંગોમાં તેમની હાજરી અંગે યોગ્ય નીતિ અને વ્યવસ્થા માટે પ્રયત્નો કરવામાં આવશે.
મ્યુનિસિપલ શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ માટે ક્વોલિફાઈડ અને પ્રશિક્ષિત શિક્ષકોની ઉપલબ્ધતા, સ્વચ્છ વર્ગખંડો, ટોઈલેટ-બાથરૂમની યોગ્ય સફાઈ તથા પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ સુદૃઢ બને તે બાબતે પણ સુશ્રી સોનલબેન પટેલે ભાર મૂક્યો હતો.
તબક્કાવાર અમદાવાદ શહેરની અન્ય મ્યુનિસિપલ શાળાઓની મુલાકાત લઈ તેમની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જે શાળાઓ સારું કામ કરી રહી છે, તેમની શ્રેષ્ઠ કામગીરીને અન્ય શાળાઓ સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવશે.
કાલુપુર પબ્લિક સ્કૂલ દ્વારા કરવામાં આવી રહેલી શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ, આ પ્રકારનું ઉત્તમ શૈક્ષણિક મોડલ અમદાવાદની અન્ય મ્યુનિસિપલ શાળાઓમાં પણ વિકસે તે માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવશે.
ગ્યાસુદ્દીન શેખ
જીપીસીસી વરિષ્ઠ આગેવાન પૂર્વ ધારાસભ્યશ્રી

