સુરત, તા.૦૯
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા, અમદાવાદ, સુરત સહિતની જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાને બહેર રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ જેલમાં ભાઈ અને બહેન મળતા ભાવુક દૃશ્યો સર્જાયા હતાં. રાખડી બાંધતા સમયે ભાઈઓ-બહેનો રડી પડ્યા હતાં અને એકબીજાને ભેંટી પડ્યાં હતાં. અહીં કેટલીક બહેનોએ ભાઈ જલ્દી જેલમાંથી છુટી બહાર આવે તે માટે ભગવાનને અને સરકારને પ્રાર્થના કરી હતી. તો ભાઈઓએ પણ બહેનને ભેટ સ્વરૂપે એક તુલસીનો છોડ આપ્યો હતો.
છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈઓને પોતાની બહેનો રખડી બાંધવા માટે જેલમાં આવે છે. ત્યારે આજે પણ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે વહેલી સવારથી જ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી હતી. આ સાથે જ કારેલીબાગ હિટ એન્ડ રનના ગુનામાં સંડોવાયેલ રક્ષિત ચોરસિયાના પરિવારે પણ તેની મુલાકાત કરી હતી. પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલી બહેન વૈશાલીબેન પટેલે રડતી આંખે કહ્યું કે, આ પહેલીવાર નથી, અમે છેલ્લા પાંચ વર્ષથી આવીએ છીએ, આ છઠ્ઠું વર્ષ ચાલુ થયું છે. મારો ભાઈ મર્ડર કેસમાં છે, પણ મારા ભાઈએ મર્ડર કર્યું જ નથી, બિલકુલ કર્યું જ નથી. ડ્રિન્ક કરીને બહાર આવ્યા હોવાનું કહેવામાં આવે છે પણ તેણે ડ્રિન્ક નહોતું કર્યું. તેઓને ત્રણ છોકરીઓ છે. બસ, નિર્દોષ છૂટી જવા જાેઈએ. ઘરમાં કોઈ જ નથી. મારી મમ્મીને મારી ભાભી જ છે. ૧૦ વર્ષની, પાંચ વર્ષની અને આઠ વર્ષની બેબી છે. બસ, મારા ભાઈ નિર્દોષ બહાર આવી જવા જાેઈએ, બીજું કંઈ નહીં. આ પ્રસંગે આવેલા સોનલ વસાવાએ જણાવ્યું હતું કે, મારા ભાઈ મર્ડરના ગુનામાં જેલમાં છે. છેલ્લા પાંચ વર્ષથી અમે રાખડી બાંધવા આવીએ છીએ. બસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે જે ગુનો કર્યો નથી તો જલ્દી જ મારો ભાઈ બહાર આવી જાય, બસ એની નાની-નાની ત્રણ છોકરીઓ છે. એમને કોણ સાચવશે? મમ્મી છે એમના અને એકલા ભાભી છે. બસ એ લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. સરકાર પણ સહેજ સમજવા રાજી નથી. જે ગુનો કર્યો નથી એ ગુનાની સજા આપી દીધી છે. અત્યારે લોકો પૈસાવાળા પૈસા ખવડાવીને બીજાને સજાઓ અપાવે છે. અમારા ગરીબોનું કોણ થશે?
