સુરત, તા.૧૦
સુરતમાં ‘હર ઘર તિરંગા‘ અને હર ઘર સ્વચ્છતા‘ની થીમ પર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વાય જંકશનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે સમાપ્ત થઇ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓએ જેમાં ખાસ કરીને શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ભજ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ તિરંગા યાત્રા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત પ્રેરક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “આપણા દેશના વીર સૈનિકોએ આતંકવાદીઓને ‘ઓપરેશન સિંદૂર‘ દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે.”
તેમણે સૈનિકોની બહાદુરી અને સમર્પણને બિરદાવ્યું હતું અને દેશની સુરક્ષા માટે તેમના યોગદાનને યાદ કર્યું હતું. આ નિવેદનથી સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો અને ઉપસ્થિત લોકોમાં ગર્વની લાગણી જાેવા મળી હતી.
આ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને દેશભક્તિ માટે પ્રોત્સાહિત કરવાનો અને દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો સંદેશ ફેલાવવાનો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક ઘરમાં તિરંગો ફરકાવવામાં આવશે.” આ કાર્યક્રમ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે દેશભક્તિનો માહોલ ઊભો કરવામાં સફળ રહ્યો હતો અને સુરતને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે પણ એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
