સુરત, તા.૦૧
સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતનાં અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના ૪૦ યુવાનને થાઈલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાને ઇરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં તેમને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઇડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઈમ દ્વારા ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પંજાબના પટિયાલાના ઝિરકપુર ખાતેથી બે અને સુરતના ડિંડોલીથી એક મળીને ત્રણને પોલીસે ઝડપી લીધા છે. ભારતના અલગ અલગ રાજ્ય, જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે. રાજ્યોમાંથી કુલ ૪૦ યુવાનને આ રીતે થાઈલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ ૧૨ જણાની સંડોવણી હોવાનું પણ જણાયું છે. છેલ્લા દોઢ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે.
સાયબર સેલની પૂછપરછમાં આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી ચાઇનીઝ કંપનીમાં ૐઇ મેનેજર હોવાનું ખૂલ્યું હતું. નિપેન્દરે પોલીસ તપાસમાં એલેક્ઝાન્ડર, એન્ઝો, કૃણાલ, નિલેશ પુરોહિત, વિલિયમ, કિંગ, વિમ, કુંપેંગ, એલોંગ, શશાંક, સ્ટ્રોંગ એમ ૧૧ સાગરીતનાં નામ લખાવ્યાં હતાં. એ તમામ સાથે મળી છેલ્લા દોઢ વર્ષથી ભારત તથા અન્ય દેશના લોકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના અપાવવાની લાલચ અપાતી હતી. ઊંચા પગારે નોકરીની લાલચ આપી ભારતના ૩૭, શ્રીલંકાના ૨, પાકિસ્તાનના ૧ એમ ૪૦ જણાને થાઇલેન્ડ મોકલી ચાઇનીઝ માફિયાઓ મારફત બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર ખાતે મોકલી અપાયા હતા.