(સિટી ટુડે) અમદાવાદ,તા.૦૧
અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા તા. ૩૧ ઓગષ્ટ ૨૦૨૫, રવિવારે શ્રી નરોત્તમ ઝવેરી હોલ, પાલડી, અમદાવાદ ખાતે સવારના સમયે પ્રથમા બ્લડ સેન્ટરના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનોએ અંદાજે ૬૨ બોટલ રક્તદાન કરી સમાજ માટે સકારાત્મક સંદેશ પહોંચાડયો હતો. જયારે ખરેખર મુશ્કેલ સમયે બ્લડની જરૂર પડે છે ત્યારે એક – એક બોટલ કેટલી કિંમતી હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. આ માનવમૂલ્યને ધ્યાનમાં રાખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઉપસ્થિત રહી સરફરાજ, મોઈન દ્વારા ટૂંક સમયમાં ધોબી સમાજને સંગઠિત કરી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રસંશા કરી તેને બિરદાવતાં સમાજ કેવી રીતે શહેર તેમજ રાજ્યના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે તે અંગે માર્ગદર્શન પૂરુ પાડયું હતું. સાંજના સમયે ધોબી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. પ્રસંગની શરૂઆત કુઆને શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ મંચ ઉપર ઉપસ્થિત તમામ મહેમાનોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. દુન્યવી તાલીમની સાથોસાથ દીની તાલીમ અંગે સમાજમાં લોકો જાગૃત થયા છે. હાફીઝ, કારી જેવા દીની તાલીમ મેળવનાર વિદ્યાર્થીઓની સાથે ધો. ૧૦- ૧૨, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, સ્પોર્ટસ ફિલ્ડ – બાસ્કેટબોલ, ક્રિકેટ, રાઈફલ શુટીંગ, આર્ટસ – ડ્રોઈંગમાં નામના મેળવનાર તેમજ ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા વિવિધ ક્ષેત્રે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને મેડલ, ટ્રોફી, સર્ટીફીકેટ, ગીફટની સાથે નમાઝ પઢવા જરૂરી જાનમાઝ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
એલ.ડી. એન્જિનીયરીંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મઝહર અફઝલ શેખ કે જેમણે સમાજને શૈક્ષણિક ક્ષેત્રે માર્ગદર્શન તેમજ વિશિષ્ટ સેવાની સાથે હાલમાં જ ડોક્ટરેટની પદવી હાંસલ કરી સમાજનું નામ રોશન કર્યું તે બદલ વિશેષરૂપે એવોર્ડ અર્પણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના સેક્રેટરી શ્રી સરફરાજ કાલુ શેખે મંચ ઉપરથી સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજના દરેક માતા – પિતાએ પોતાના બાળકોને તેજસ્વી બનાવવા હોય તો તેઓને સારું – ઉચ્ચ શિક્ષણ જરૂરથી આપવું હવે અનિવાર્ય તેમજ સમયની માંગ છે. આજના યુગમાં શિક્ષણનું મહત્ત્વ વધી ગયું છે. ત્યારે મુસ્લિમ ધોબી સમાજ દ્વારા આજે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે ઉત્તમ કાર્યની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ બનશે. પોતાના બાળકો જેમ બને તેમ વધુમાં વધુ શૈક્ષણિક તેમજ અન્ય ક્ષેત્રમાં આગળ વધે તે બાબત પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ પણ પ્રસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમમાં પ્રમુખ નાસર, ઉપ પ્રમુખ સાકીર, સેક્રેટરી સરફરાઝ અને જાવિદ, ખજાનચી આરીફ સહિત અન્ય આગેવાનો પ્રો. ડો. મઝહર, આદિલ, ફઝલ, રિયાઝ, બાસીત, શબ્બીર, ઈમ્તિયાઝ, યુનુસ સમાજના આગેવાનો તેમજ નવયુવાનો – યુવતીઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં ઉપસ્થિત તમામ લોકોના શાબ્દિક સ્વાગતની સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. મઝહર તેમજ આદિલ દ્વારા કરવામાં આવ્યું હતું.