મિરઝાપુર, તા.૨૭
ઉત્તર પ્રદેશમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં આવેલી જામા મસ્જિદમાં રાતે આગ લગાવી દેવામાં આવી હતી. મસ્જિદનો ગેટ પણ આ આગની લપેટમાં આવી ગયો હતો. આ સાથે જ મસ્જિદના ગેટને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હડકંપ મચી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી અને ભારે સુરક્ષા દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે.
હવે મિરઝાપુર પોલીસે એ તમામ લોકોની ધરપકડ કરી લીધી છે જેમણે મસ્જિદમાં આગ લગાવી હતી. તમને જણાવી દઈએ કે, આ તમામ લોકો મસ્જિદમાં આગ લગાવીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. પરંતુ પોલીસે તપાસ બાદ આ તમામને દબોચી લીધા છે. આ સમગ્ર ઘટના મિરઝાપુરના ચુનાર પોલીસ સ્ટેશન વિસ્તારના મોચી ટોલામાં સ્થિત જામા મસ્જિદમાં ઘટી હતી. અહીં રાતે લગભગ ૨:૦૦ વાગ્યે મસ્જિદમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળવા લાગી. આ જાેઈને ઘટનાસ્થળે હડકંપ મચી ગયો અને લોકોએ પોલીસને ઘટના અંગે જાણ કરી. આ આગની લપેટમાં મસ્જિદના મુખ્ય ભવનનો ગેટ, લાકડાના દરવાજા આવી ગયા અને મસ્જિદમાં રાખેલો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો. આ મામલે પોલીસે ૫ યુવકોને જેલ ભેગા કરી દીધા છે.
તપાસમાં સામે આવ્યું છે કે, દારૂના નશામાં આ યુવકોએ મસ્જિદમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ ઊભો થયો હતો પરંતુ પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી. ઈન્સ્પેક્ટર વિજય શંકર સિંહના જણાવ્યા પ્રમાણે પોલીસે આ મામલે રણજીત સેઠ, રોહિત ગુપ્તા, ગણેશ, પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરી છે.









