ઇમ્તિયાઝ બાપુએ કોરોનાકાળમાં રૂા.૫૦ લાખ જેટલો ખર્ચ કરી ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોના ચૂલા સળગતા રાખ્યા હતા
જીવો અને જીવવા દો’ના સિદ્ધાંતને સાર્થક કરનાર ઇમ્તિયાઝ બાપુના પરોપકારી કાર્યો આજે પણ લોકોની આંખમાં આંસુ લાવી દે છે.
વહાબ શેખ, નર્મદા
કહેવાય છે કે, માણસ તેના જન્મથી નહીં પણ તેના કર્મોથી ઓળખાય છે. સત્તા અને સંપત્તિ તો ઘણા પાસે હોય છે, પણ એ સંપત્તિને જનસેવામાં હોમી દેવાનું કલેજું બહુ ઓછા લોકો પાસે હોય છે. રાજપારડીની ધરતી પર એક એવી શખ્સિયત થઈ ગઈ, જે આજે હયાત નથી પરંતુ તેમની સેવાની સુગંધ આજે પણ આખા ભરૂચ જિલ્લામાં મહેકી રહી છે. જેમને લોકો અત્યંત આદર સાથે ‘રેતીવાળા બાપુ’ અથવા ‘ઇમ્તિયાઝ બાપુ’ તરીકે ઓળખતા હતા, તેવા ઇમ્તિયાઝ અલી સૈયદ ખરા અર્થમાં ગરીબો અને વંચિતોના તારણહાર હતા.
સાબરકાંઠાના હિંમતનગરમાં ૧૮ ફેબ્રુઆરી ૧૯૭૬ના રોજ જન્મેલા ઇમ્તિયાઝ ઇમામ અલી સૈયદ ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. પિતાના સિલિકા સેન્ડના વ્યવસાયને સંભાળવા તેઓ રાજપારડી આવ્યા અને આ પંથકને જ પોતાની ‘કર્મભૂમિ’ બનાવી દીધી. વ્યવસાયની સાથે તેમણે એવી રીતે જનસેવા કરી કે તેઓ ટૂંક સમયમાં જ જન-જનના ‘બાપુ’ બની ગયા. લોકો આજે પણ ગર્વથી કહે છે કે, બાપુએ આ ધરતીનું ઋણ સાચા અર્થમાં ચૂકવી દીધું છે.
જ્યારે આખું વિશ્વ કોરોના જેવી મહામારીમાં થંભી ગયું હતું અને ગરીબો માટે બે ટંકના ભોજનના ફાંફા હતા, ત્યારે બાપુએ પોતાની તિજોરીના દ્વાર ખોલી દીધા હતા. તેમણે અંદાજે ૫૦ લાખ જેટલા રૂપિયાના ખર્ચે રાજપારડી, ઝઘડિયા સહિત બીજ જિલ્લા અને વિસ્તારના હજારો જરૂરતમંદોને અનાજ અને જીવન જરૂરિયાતની સામગ્રી પહોંચાડી હતી. તેમના આંગણેથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય ખાલી હાથે પાછો નહોતો ફરતો. પછી તે કોઈ પણ જ્ઞાતિ કે ધર્મનો હોય, લોકો બાપુમાં ઈશ્વર અને ખુદાની ઝલક જોતા હતા.
બાપુની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ ‘ગુપ્ત દાન’માં માનતા હતા. ઘણા એવા લાચાર પરિવારો હતા જેમના ઘરનો ચૂલો ફક્ત બાપુની છૂપી મદદથી જ સળગતો હતો, જેનો સાક્ષી માત્ર ઉપરવાળો જ હતો. તેમણે માત્ર મુસ્લિમ જ નહીં, પણ તમામ ધર્મના લોકો માટે પિતાતુલ્ય ભૂમિકા ભજવી હતી. પોતાના બે કર્મચારીઓ (આદિવાસી અને હિન્દુ ધર્મમાં માનનાર) ના લગ્ન પણ તેમણે લાખો રૂપિયા ખર્ચીને પોતાની સંતાનની જેમ ધામધૂમથી કરાવી આપી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઇમ્તિયાઝ બાપુનું સપનું હતું કે, અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્યની સુવિધા મળે. આ માટે તેઓ એક અત્યાધુનિક હોસ્પિટલ અને અંગ્રેજી માધ્યમની શાળા બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે અનેક ગરીબ દીકરીઓના લગ્ન કરાવી પિતાની છત્રછાયા પૂરી પાડી હતી. કેટલાય ગરીબ વિદ્યાર્થીઓને ફી ભરીને વકીલ અને એન્જિનિયર બનાવ્યા, જેઓ આજે સમાજમાં સન્માનભેર જીવે છે. ‘જીવો અને જીવવા દો’ ના મંત્ર સાથે જીવતા બાપુ ગમે તેવા જટિલ ઝઘડાઓ પોતાની એક સમજાવટથી ઉકેલી દેતા હતા.
લાખો લોકોના આંસુ લૂછનારા આ પરોપકારી વ્યક્તિએ બરાબર એક વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે, ગત ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ હૃદયરોગના હુમલાને કારણે તેમના સ્નેહીજનોને રડતા મૂકી આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી. તેમના અવસાનથી માત્ર રાજપારડી જ નહીં, પણ ભરૂચ સહિત અન્ય જિલ્લાના ગરીબોએ પોતાનો સાચો વાલી ગુમાવ્યો દીધો હતો. મિત્રો માટે જાન ન્યોછાવર કરવા તૈયાર રહેતા ઇમ્તિયાઝ બાપુ ભલે આજે શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પણ તેમના સેવાકીય કાર્યો અને માનવતાની મહેક હંમેશા જીવંત રહેશે.
અલ્લાહ ઇમ્તિયાઝ બાપુને જન્નતમાં આલા મકામ આપે તેવી જ દરેક ચાહકની દુઆ છે. આમીન…
Post Views: 98