સુરત, તા.૧૭
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકારણ ગરમાયું છે. સુરતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ભંગાણ સર્જાયું છે. શહેરના ૧૨થી વધુ સક્રિય નેતાઓ અને વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરીયો અને પંજાે છોડીને ‘આમ આદમી પાર્ટી‘ નો છેડો પકડતા રાજકીય ગલિયારાઓમાં સોપો પડી ગયો છે.
સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે. છેલ્લા ૩૫-૩૫ વર્ષથી પક્ષ સાથે જાેડાયેલા અને પાયાના ગણાતા વરિષ્ઠ કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દાઓ પર રહેલોએ આજે વિધિવત રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ નેતાઓનું કહેવું છે કે પક્ષમાં વર્ષોની મહેનત છતાં અવગણના થતી હોવાથી તેઓ નારાજ હતા.
આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા નેતાઓએ જણાવ્યું હતું કે, ‘આપ‘ની કામ કરવાની પદ્ધતિ અને લોકોના પાયાના પ્રશ્નો (શિક્ષણ, આરોગ્ય, વીજળી) ઉકેલવાની શૈલીથી તેઓ પ્રેરિત થયા છે. સુરતની જનતા અને કાર્યકર્તાઓ હવે પરંપરાગત પક્ષોથી કંટાળીને એક મજબૂત ત્રીજા વિકલ્પ તરફ જાેઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સુરતમાં સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ કરી છે. ભાજપ અને કોંગ્રેસના સક્રિય નેતાઓને પક્ષમાં લાવીને ‘આપ‘ પોતાની વોટબેંક અને જનસંપર્ક વધારવા માંગે છે. નવા જાેડાયેલા કાર્યકર્તાઓ આગામી ચૂંટણીમાં પક્ષ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. લોકો પરિવર્તન ઈચ્છે છે અને સુરતના આ સક્રિય નેતાઓના જાેડાણથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે.
ભાજપમાંથી આપમાં જાેડાયેલા જીતેન્દ્ર કુંભારે જણાવ્યું હતું કે, પહેલા હું યુવા મોરચા સુરત શહેર કારોબારી સભ્ય હતો ભારતીય જનતા પાર્ટીમાં. અને ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં એક જૂથવાદ વધારે પડતો હતો, કે આપણે ત્યાં અહીંયા જવાનું નહીં, ત્યાં જવાનું નહીં, પેલા પાસે જવાનું નહીં. એ લોકો બધા, જે ઉપલા લેવલના નેતા હતા એ બધા એકબીજા પાસે જાય, એકબીજાના કાર્યક્રમમાં જાય, આપણા ત્યાં એ લોકો કોઈને આવવા ન દે અને બોલાવવા ન દે.
રહી વાત કે અમે ૧૩ થી ૧૪ વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય હતો, નિષ્ઠાવાન કાર્યકર્તા હતો. મેં જ્યારે ગયા પંચવર્ષીયમાં ટિકિટની માંગ કરી ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમારા સમાજના કેટલા મકાનો છે? તમારા સમાજના કેટલા ઘરો છે? તમારો વોટ બેંક કેટલો છે અહીંયા વોર્ડની અંદર? તો ત્યારે મેં એમને કીધું કે ટિકિટ માટે કે પછી ભારતીય જનતા પાર્ટી હું એક નિષ્ઠાવાન કાર્યકર્તા છું, એ પૂરું નથી એમના માટે કે ભાઈ એના માટે કંઈક તમારે સમાજના અમુક જ સમાજને તમે આપી શકો કાં તો પછી ભારતીય જનતા પાર્ટીની કોઈ એવી નીતિ હોય કે ભાઈ તમારા સમાજમાં આટલા વોટ હોવા જાેઈએ કે તમારા આટલા પરિવાર હોવા જાેઈએ તો જ તમને ટિકિટ આપીશું.
તમે એક નિષ્ઠાવાન કાર્યકર્તા હોવ એ એમના માટે પૂરું નથી. અને એ બધું જાેઈને હું ત્યાંથી… ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીને છેલ્લા પાંચ વર્ષથી જે કોર્પોરેટર લોકો વિરોધ પક્ષમાં રહીને જે કાર્યો કરી રહ્યા છે, જે શૈક્ષણિક માધ્યમમાં કામ કરી રહ્યા છે, લોકોના રોડ, રસ્તા, ગટર જે લોકોની સમસ્યાઓ છે એનું જે નિરાકરણ કરે છે, એ લોકોની બધી જે ઈમાનદારીની રાજનીતિથી પ્રેરાઈને હું આમ આદમી પાર્ટીને આજે જાેઈન કરી રહ્યો છું.
આગળ જે પણ આમ આદમી પાર્ટી જે પણ કાર્ય મને સોંપશે, જે પણ મને જવાબદારી સોંપશે હું નિષ્ઠાથી એ જવાબદારી પૂરી કરીશ અને આમ આદમી પાર્ટીને જીતાડવા માટે જે પણ મારા પ્રયત્નો થાય, જે પણ મારી કોશિશ રહે, મારા ટીમ વતી હું મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો મેયર બને એના માટે અમે કોશિશ કરીશું.
કોંગ્રેસમાંથી આપમાં જાેડાયેલા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં બહુ વર્ષોથી જાેડાયેલો છું, ૧૯૯૫ થી, જ્યારથી હું કોલેજમાં હતો ત્યારથી. યુથ કોંગ્રેસમાં પણ હું પ્રદેશમાં હોદ્દો ધરાવતો હતો અને ત્યાર પછી ૨૦૧૦ માં હું કોંગ્રેસમાંથી કતારગામ-ફૂલપાડા, સાત નંબર વોર્ડમાંથી ઇલેક્શન લડ્યો હતો.
કોંગ્રેસમાં એકબીજાના ખેંચતાણ, વ્હાલા-દવલા એવી નીતિ ચાલે છે અને અંદર-અંદરના બહુ ઝઘડા હોય, એમાં અમારા જેવા જેણે કામ કરવું હોય તે સારી રીતે કામ કરી ના શકે, આમ આદમીનું કામ કરી ના શકાય. કોઈ સારી લીડરશીપ નથી, સુરતમાં નથી કે ગુજરાતમાં નથી, કે જેને આધારે આપણે કંઈક કરવું હોય તો કરી શકીએ. અત્યારે આમ આદમી પાર્ટી નીચેથી એટલે કે આમ આદમીથી એટલી સંકળાયેલી છે અને આમ આદમીના નાનામાં નાના પ્રશ્નોને લઈને એ પ્રશ્નોનો ઉકેલ લાવે છે. અને મોટા પ્રશ્નો હોય, ખેડૂતોના હોય કે બીજા કોઈ પ્રશ્નો હોય, તે બધા પ્રશ્નોને કોઈપણ રાજનીતિ કર્યા વગર આમ આદમીનું કામ કરે છે, એવી ‘આમ આદમી‘ થી હું એટલે ઇમ્પ્રેસ થયો છું.
આમ આદમીમાં હું જેવી રીતે કામ કરું છું અને મારી કામ કરવાની ટેવ પણ એવી જ છે કે હું નીચે સામાજિક સોસાયટીઓથી નીચેથી હું કામ કરું, એ રીતનું જ કામ કરીશ જેવી રીતે આમ આદમી પાર્ટી કામ કરે છે.









