બુટલેગર શિવા ટકલાએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો
પ્રયાસ કર્યો, પગે ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
સુરત, તા.૧૬
ગોડાદરા ડબલ મર્ડર કેસમાં છેલ્લા ૧૬ દિવસથી ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું છે. સુરત પોલીસ શિવાને પકડવા ગઈ હતી ત્યારે તેણે પોલીસ પર હુમલાનો પ્રયાસ કરતા અને ભાગવા જતાં પોલીસ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. શિવા ટકલાને જમણા પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને પોલીસ દ્વારા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઓ સાહેબ ભૂલ થઈ ગઈ. હવે નહીં થાય. હવે નહીં ભાગું. ભૂલ થઈ ગઈ. છોડી દો મને. આ શબ્દો કણસતા અવાજે ગોડાદરા ડબલ મર્ડર કેસના આરોપી શિવા ટકલાના છે. પગમાં ગોળી વાગતા જ શિવા ટકલો ફફડી ઊઠ્યો અને બે હાથ જાડીને માફી માગતો જાવા મળ્યો હતો. શિવા ટકલાને ૧૦૮માં લાવવામાં આવ્યો અને પોલીસ દ્વારા ઊંચકીને તેને ઇમરજન્સીમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. જાકે, સુરત પોલીસ દ્વારા હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ગોડાદરા ડબલ મર્ડર કેસમાં શિવા ટકલા નામનો કુખ્યાત આરોપી વોન્ટેડ હતો. ગોડાદરા પોલીસની ટીમ આરોપીને અમદાવાદથી પકડીને સુરત લાવી રહી હતી. જ્યારે પોલીસની ગાડી ગોડાદરાના દેવધ ગામ નજીક ખાડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આરોપીએ મેઇન રોડ પર જણાવ્યું હતું કે, તેને સતત ઉલટી થઈ રહી છે. આથી બે કોન્સ્ટેબલ તેને પકડીને નીચે લઈ ગયા હતા.
ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, પીએસઆઇ સતર્ક હોવાથી સાઇડમાં હટી ગયા હતા. પરંતુ તે પથ્થર પોલીસની ગાડી પર વાગતા ગાડીનો આગળનો કાચ તૂટી ગયો હતો. આ ઝપાઝપી દરમિયાન આરોપીએ ઘટનાસ્થળે હાજર પીએસઆઇની રિવોલ્વર છીનવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પીએસઆઇએ મહામુસીબતે રિવોલ્વર છોડાવી હતી. ત્યાર બાદ આરોપીએ બીજી વખત પથ્થર ઉઠાવી પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરતા પીએસઆઇએ સ્વબચાવમાં તેની ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીના જમણા પગના નીચેના ભાગે વાગી હતી. પોલીસથી બચવા માટે શિવા ટકલાએ પોતાનો લૂક બદલી નાખ્યો હતો. તેણે દાઢી કરાવી નાખી હતી અને માથા પર વાળ ઉગાડી દીધા હતા. જેથી પોલીસ તેને ઓળખી ન શકે. તેમ છતાં સુરત પોલીસે સચોટ બાતમીના આધારે તેને અમદાવાદથી શોધી કાઢ્યો હતો. ૧ ડિસેમ્બરના રોજ સુરતના ગોડાદરા વિસ્તારમાં બુટલેગર શિવા ટકલાએ તેના સાગરીતો સાથે મળી માત્ર રૂપિયા ૨૦ હજારની ઉઘરાણી માટે ત્રણ મિત્રોનું અપહરણ કરી લાકડાના ફટકા, લોખંડના સળિયા, લાતો-બૂટથી ઢોર માર માર્યો અને “કોઈને મોઢું બતાવવા લાયક નહીં રાખીએ”ની ધમકી આપીને અડધા વાળ, મૂછ અને એક આંખની ભ્રમર અસ્તરાથી કાપી વિકૃત પિશાચી આનંદ લીધો હતો. આ અમાનુષી અત્યાચાર સહન ન થતાં ૨૨ વર્ષીય સોએબ શેખનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે નાઝીમની લાશ મહારાષ્ટ બોર્ડર પરથી મળી હતી. જાકે, આ સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી શિવા ફરાર હતો.










