સુરત, તા.૧૩
અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે. રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જાેવા મળી રહી છે. અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હતા. અલ્પેશ કથીરિયાએ પણ નિર્લિપ્ત રાયને તપાસ સોંપવાના ર્નિણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે, આ બનાવમાં જે પણ સંડોવાયેલા હોય તેઓના નામ સામે આવવા જાેઈએ. પાયલ ગોટી તેમના વકીલ અને કોંગ્રેસ તેના જેની ઠુંમર ગાંધીનગર પહોંચ્યાં છે. અહીં તેમણે રાજ્ય પોલીસવડા સાથે બેઠક કરી રજૂઆત કરી છે. જેનીબેને જણાવ્યું હતું કે અમે શનિવારે ગાંધીનગર ખાતે ડીજીપીને રજૂઆત કરવા ગયાં હતાં, પણ ડીજીપીને મળી નહોતાં શક્યાં. આજનો ટાઇમ લીધો હતો, જેથી અમે મળીને રજૂઆત કરી છે. હાલ જે પણ મુદ્દો ચાલી રહ્યો છે એના કાગળો જાેવામાં આવશે. જે તપાસ થઈ છે એ તમામ મુદ્દાની ફરીથી તપાસ કરવામાં આવશે. સ્થળ તપાસ પણ કરવામાં આવશે.
કોંગ્રેસે આજે (૧૩ જાન્યુઆરી) માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનનારી યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાંની જાહેરાત કરી હતી. સુરત પોલીસે ધરણાં માટે મંજૂરી આપી ન હતી, એને લઇને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે ગમે ત્યારે ધરણાં પર આવીને બેસી જઈશું, જેના પરિણામે ગઈકાલથી જ વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી. ત્યાર બાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી. ૧૦ વાગ્યે પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફૂલહાર કરીને ધરણાં કરવાના શરૂ કરે એ પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.
કોંગ્રેસનેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અમરેલીમાં દીકરીને ભોગ બનવું પડ્યું છે, ત્યારે અમે તેના ન્યાય માટે લડત લડી રહ્યા છીએ. આઝાદી આંદોલનો થકી જ આવી છે છતાં પણ પોલીસ આંદોલન કે વિરોધપ્રદર્શન કરવા દેતી નથી.
માનગઢ ચોક ખાતે અમે પરમિશન માગી હતી, પરંતુ પોલીસે અમને પરમિશન આપી ન હતી. ખરેખર તો આ પ્રકારનાં ધરણાં અને આંદોલન માટે કોઈ પરમિશન લેવાની જાેગવાઈ નથી.
માનગઢ ચોક ખાતે ચુસ્ત પોલીસ- બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. અમે શાંતિથી ધરણાં કરવા માગતા હતા. માનગઢ ચોક સામાજિક અને રાજકીય આંદોલનોનું સાક્ષી રહ્યું છે, ત્યારે અમે દીકરીને ન્યાય અપાવવા માટે અહીં ધરણાં કરવા માટે આવી રહ્યાં હતાં. અમને ધરણાં કરવાની પરમિશન નહીં મળે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણાં શરૂ કરી દઈશું.
