સુરત, તા.૧૩
ઉતરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે બાઈક પર જતા માતા-પુત્રને કાતિલ દોરી અડી જતાં ગંભીર ઈજાઓ પહોંચી છે. કામરેજથી પાંડેસરા જતા માતા-પુત્રને બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બ્રિજની વચ્ચે પડેલી દોરીના કારણે માતા-પુત્ર બંને ઈજાગ્રસ્ત થયા હતા. દીકરાને ગળાના ભાગે તો માતાને આંખના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. અન્ય એક બનાવમાં સિક્યોરિટી ગાર્ડ બાઈક લઈને જતા હતા, તે સમયે દોરીથી ગળું કપાઈ ગયું હતું. દોરીથી ગળાની એક નસ પણ કપાઈ જતાં તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.
ઉતરાયણ પર્વમાં કાતિલ દોરીથી અબોલ જીવોને નુકસાન પહોંચતું હોય છે અને તેમનો જીવ પણ જતો હોય છે. ત્યારે ઘણી વખત આ દોરીના કારણે મનુષ્યનો પણ ભોગ લેવાઈ જાય છે. સુરતમાં ઉતરાયણ પર્વને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે પરંતુ, ઉત્તરાયણ પહેલા જ ઘણા લોકોના ગળા દોરીથી કપાયા હોવાનું સામે આવ્યું છે. આજે પણ સુરતના કામરેજથી પાંડેસરા બાઈક પર જતા માતા-પુત્રને કાતિલ દોરી અડી જતા ઇજાઓ પહોંચી છે.
ઉધના દરવાજાથી પાંડેસરા રોડ તરફ યુવક બાઇક પર માતા સાથે જતો હતો ત્યારે રસ્તામાં પતંગની કાતિલ દોરી આવી જતા તે દોરીને હટાવવા ગયો હતો. તેના ગળાના ભાગે દોરી ઘસાઈ જતા ઊંડો ઘા પડ્યો હતો અને લોહી વહેવાનું શરૂ થયું હતું. આ સાથે યુવકની માતાને પણ આંખના નીચેના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેમને પણ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરોએ તાત્કાલિક યુવાનની સારવાર શરુ કરી હતી.
અન્ય એક બનાવમાં ડિંડોલીમાં એક સિક્યોરિટી ગાર્ડ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે દોરીથી તેમનું ગળું કપાઈ ગયું હતું. જેથી, લોહીલુહાણ હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની આઇસીયુમાં સારવાર કરવામાં આવી રહી છે. જીતેન્દ્ર ગીરી નામના ૩૫ વર્ષીય યુવક સિક્યુરિટીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આજરોજ જીતેન્દ્ર બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે દોરીથી તેમનું ઘણું કપાઈ ગયું હતું. ગળાની અંદરની રહેલી એક નસ પણ કપાઈ જવાના કારણે હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે ૧૦ જાન્યુઆરીએ જ ઉતરાયણ પર્વમાં વપરાતી ચાઈનીઝ દોરી, તૂક્કલ સાથે, કાચવાળી દોરીના ઉત્પાદન સંગ્રહ વેચાણ ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપ્યો હતો પરંતુ, પાક્કી દોરી અને પાક્કો માંજાે બનાવવા માટે લોકો કાચનો ઉપયોગ કરતા હોય છે અને તેના કારણે લોકોના ગળા કપાઈ જતા હોય છે. હાલમાં બજારમાં પોલીસ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ, કાતિલ દોરી લોકોના ભોગ લઈ રહી છે. અબોલ જીવો પણ આ દોરીમાં ફસાઈ જતા ઘણી વખત જીવ ગુમાવે છે.
