સુરત,તા.૧૭
સલાબતપુરા વિસ્તારમાં ગૌવંશ હત્યા અને ગૌમાંસની હેરાફેરી સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. સુરત શહેર પોલીસના સલાબતપુરા પોલીસ મથકે બાતમીના આધારે વોચ ગોઠવી એક ટેમ્પો અટકાવી, તેમાંથી ૧૬૫૮ કિલો ગૌમાંસ ઝડપ્યું હતું. આ સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી કુલ રૂ. ૫.૦૬ લાખના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સલાબતપુરા પોલીસને માહિતી મળી હતી કે, ઉમરવાડા પાવર હાઉસની પાછળ, પીડી રેશમવાળા બિલ્ડિંગની સામે એક મહેન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પોમાં ગૌમાંસનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. મળેલી બાતમીને ધ્યાને લઈ, પોલીસ દ્વારા સ્થળ પર વોચ ગોઠવી ટાર્ગેટેડ વાહનને અટકાવ્યું હતું. ટેમ્પોની તપાસ દરમિયાન કુલ ૧૬૫૮ કિલો ગૌમાંસ મળી આવ્યું, જે ગેરકાયદેસર રીતે હેરાફેરી માટે લાવવામાં આવ્યું હતું. સાથે જ પોલીસને રૂ. ૩ લાખની કિંમતનો ટેમ્પો, ૬ મોબાઇલ (રૂ. ૨૬,૦૦૦) અને રૂ. ૧૪,૩૦૦ રોકડા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૫.૦૬ લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા હતાં.
પોલીસે આ કૃત્યમાં સંડોવાયેલા પાંચ ઈસમોને ઝડપી લીધા, જે સુરતના વિવિધ વિસ્તારોમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ રહેમાન ઈસ્માઈલ શેખ (રહે. ખ્વાજા નગર, માનદરવાજા, સલાબતપુરા),ઈમામ હીરા શેખ (રહે. રબ્બાની ગલી, ચીમની ટેકરા, ઉમરવાડા, સલાબતપુરા), સહેબાજ સકીલ શેખ (રહે. ખ્વાજા નગર, માનદરવાજા, સલાબતપુરા), મુખ્તાર જંગુ શેખ (રહે. મીઠીખાડી, લીંબાયત), આસીફ ઈસ્માઈલ શેખ (રહે. રબ્બાની ગલી, ચીમની ટેકરા, ઉમરવાડા, સલાબતપુરા) તરીકે થઈ છે.
ડીસીપી ભગીરથ ગઢવી જણાવ્યું હતું કે,આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને ગૌહત્યા, ગૌમાંસ વેચાણ અને હેરાફેરી સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ કિસ્સામાં સામેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગૌહત્યા વિરોધી કાયદા હેઠળ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સલાબતપુરા પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ ગૌમાંસ હેરાફેરી માટે શંકાસ્પદ રીતે સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. તેવું માનવામાં આવે છે કે તેઓએ ગૌવંશનો કતલખાનામાં હત્યા કરીને ગૌમાંસ હેરાફેરી કરવાનો રેકેટ ચલાવતો હતો. આ કેસમાં વધુ કડી શોધવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ, ફોન રેકોર્ડ અને અન્ય ટેકનિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે. સાથે જ, આ રેકેટમાં અન્ય કોઈ પણ સંડોવાયેલ છે કે નહીં, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
સુરત પોલીસ માટે આ એક મોટી સફળતા ગણાઈ રહી છે, કારણ કે ૧.૬ ટન (૧૬૫૮ કિલો) ગૌમાંસની હેરાફેરી રોકવામાં આવી છે. આ ઉપરાંત, આરોપીઓનું નેટવર્ક તોડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.આગામી દિવસોમાં પોલીસે ગૌહત્યા અને ગૌમાંસ હેરાફેરીની વધુ તપાસ કરીને અન્ય આરોપીઓને ઝડપી પાડવાની શક્યતા વ્યક્ત કરી છે.
