સુરત,તા.૧૭
સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. સાડાચાર મહિના પહેલાં નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર ૧૩૦ દિવસમાં જ ચુકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટે શનિવારે કસૂરવાર ઠેરવ્યા હતા.
નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્ત્વની સાબિત થઈ છે. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા. બનાવ સમયે ચંદ્રનો પ્રકાશ હોવાના કારણે અને આરોપીએ ફ્લેશ લાઈટ કરતાં સગીરાએ આરોપીનો ચહેરો જાેયો હતો. કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. કોર્ટમાં ગુનો સાબિત કરવા આરોપીએ તેના માલિકને કરેલા કોલના ઓડિયો રેકોર્ડિંગમાં ૧૩ કૂકડાના બાંગથી ગુનો સાબિત કરાયો.
આજે પોલીસ દ્વારા ગેંગરેપ કેસના બંને આરોપી- મુન્ના કરબલી પાસવાન અને રાજુને કોર્ટમાં લઈ આવવામાં આવ્યા હતા. આરોપી મુન્ના વ્હીલચેર પર હતો, જ્યારે આ વ્હીલચેર રાજુ ખેંચી રહ્યો હતો. કોર્ટના મેઈન ગેટથી કોર્ટરૂમની અંદર સુધી આરોપી મુન્ના પોતાની આંગળીના વેઢે કંઈક મનમાં બોલી રહ્યો હતો. તેની હરકત ત્યારે બંધ થઈ જ્યારે જજ દ્વારા તેને સજા ફટકારવામાં આવી.
આ સમગ્ર મામલે સુરત જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હિતેશ જાેયસરે જણાવ્યું હતું કે ૮ ઓક્ટોબરના રોજ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ ઘટના બની હતી. ત્રણ નરાધમે સગીર સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ઘટના બાદ તમામ ટીમો, ડોગ-સ્ક્વોડ અને એફએસએલ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે પાંચ કિલોમીટરની રેન્જમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. બાઈકના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ થયો હતો અને આરોપીઓની ઓળખ થઈ હતી. સુરત પોલીસ દ્વારા ગ્રામ્ય પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.
આરોપીઓની ધરપકડ ૪૮ કલાકની અંદર કરવામાં આવી. ૫૦થી વધુ અધિકારીઓની ટીમ ડીવાયએસપી આર.આર.સરવૈયાના વડપણ હેઠળ કાર્યરત હતી અને ૧૦૦થી વધુ અધિકારીઓએ આરોપીઓને પકડવા માટે જહેમત ઉઠાવી હતી. ૨૪ ઓક્ટોબરના રોજ પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ પુરાવા, એફએસએલ રિપોર્ટ, વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી – તમામ પ્રકારના આદર્શ પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ૧૫ ફેબ્રુઆરીના રોજ કોર્ટે આરોપીઓને દોષી ઠેરવ્યા હતા અને તેમને આજે જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા સંભળાવી.
એફએસએલ રિપોર્ટ અને વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટ ઝડપથી મળી રહે એ માટે ડીવાયએસપી લેવલથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. બંને રિપોર્ટ ૧૫ દિવસમાં કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે મહત્ત્વપૂર્ણ પુરાવા સાબિત થયા. સાયન્ટિફિક પુરાવાઓમાં આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યું, કારણ કે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટમાં સ્પષ્ટપણે જાણવા મળ્યું હતું કે આરોપી પોતાનો ગુનો સ્વીકારી રહ્યો હતો.
નવરાત્રિ દરમિયાન બનેલી આ ઘટના આખા ગુજરાતને હચમચાવી દેનારી હતી. એક તરફ, પોલીસે ઝડપથી આરોપીઓની ધરપકડ કરી અને ચાર્જશીટ દાખલ કરી, તો બીજી તરફ કોર્ટમાં ટ્રાયલ પણ ઝડપથી થાય એ માટે હાઈકોર્ટ તરફથી નિર્દેશ આપવામાં આવ્યા હતા. કોર્ટમાં ટ્રાયલની કામગીરી પણ ખૂબ જ ઝડપી ગતિએ કરવામાં આવી.
ટ્રાયલના પ્રથમ દિવસથી જ નયન સુખડવાલા દ્વારા આ કેસની ગંભીરતા ધ્યાનમાં લેવામાં આવી હતી, આરોપીઓને દાખલારૂપ સજા થાય એ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. આરોપીઓને કડક સજા થાય, જેથી સમાજમાં ભય ફેલાય અને માનવરૂપી રાક્ષસો ભયભીત થાય, એ માટેની દલીલો કરવામાં આવી હતી. તમામ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ પુરાવાની વિગતવાર વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
