સુરત, તા.૨૦
દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા ૩૦ વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ૨૪૦૦ આરોપીઓના ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં તેમની તમામ વિગતો સાથે આરોપીના કોઈ સગા-સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પડોશી દેશોમાં રહે છે કે કેમ? પ્રેમ સંબંધ જેવા પ્રશ્નો પણ શામેલ છે.
પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું આ ડોઝિયર કોઈ સામાન્ય ફાઈલ નથી, પરંતુ તેમાં આરોપીના જીવનના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે. આ પાંચ પાનાના ડોઝિયરમાં આરોપી પોતે કઈ વિગતો આપે છે અને પોલીસ કઈ માહિતી એકત્ર કરે છે, ડોઝિયરના સૌથી પહેલા પાના પર આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરતા ફોટોગ્રાફ્સ રહેશે. પોલીસ માત્ર એક સાદો ફોટો નહીં, પરંતુ ત્રણ અલગ-અલગ એંગલથી ફોટા લઈ રહી છે, સામેનો ફોટો, જમણી બાજુનો ફોટો, ડાબી બાજુનો ફોટો શામેલ છે આ ફોટા લેટેસ્ટ હોવા જરૂરી છે, જેથી હાલના દેખાવ મુજબ તેને ઓળખી શકાય. આ ફોટા એ.આઇ. ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે, જેથી સીસીટીવી કેમેરા પણ આરોપીને ભીડમાં ડિટેક્ટ કરી શકે. આરોપી પાસેથી તેની પ્રાથમિક વિગતો લેવામાં આવી રહી છે, જેમાં સંપૂર્ણ નામ અને ઉપનામ, હાલનું અને મૂળ સરનામું, બ્લડ ગ્રુપ અને શૈક્ષણિક લાયકાત, શરીરના ઓળખ ચિહ્નો: શરીર પર કોઈ ટેટૂ, ઘાના નિશાન કે અન્ય કોઈ ઓળખ, ઊંચાઈ અને વર્તમાન દેખાવ (જેમ કે દાઢી-મૂછ રાખે છે કે ક્લીન શેવ છે) શામેલ છે. આજના જમાનામાં ગુનેગારો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેથી પોલીસ તેમની ડિજિટલ વર્તણૂક પર પણ નજર રાખી રહી છે. વર્તમાન મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો મેળવી રહી છે.
આ ડોઝિયરની ખાસિયત એ છે કે, તેમાં આરોપીના અંગત જીવન અને સામાજિક સંબંધોને પણ તપાસના દાયરામાં લાવવામાં આવ્યા છે. પોલીસે અત્યંત સંવેદનશીલ માહિતી એકત્ર કરી રહી છે. આરોપીના કોઈ સગા-સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પડોશી દેશોમાં રહે છે કે કેમ? આ વિગત રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મહત્વની છે. જો આરોપીએ કોઈ પ્રોપર્ટી વસાવી હોય, તો તે ક્યારે ખરીદી? તેના માટે પૈસા ક્યાંથી આવ્યા? શું કોઈ હવાલા કૌભાંડ કે ગેરકાયદેસર પ્રવૃત્તિના પૈસા રોકાયા છે? તેની તપાસ થશે. આરોપીને કોઈ રાજકીય કે આર્થિક સમર્થન છે કે કેમ? દુશ્મનાવટ અને પ્રેમ સંબંધ આરોપીને કોની સાથે દુશ્મની છે અને તેના કોઈ પ્રેમ સંબંધો છે કે કેમ? ઘણીવાર ગુનેગારો પ્રેમ સંબંધોને કારણે અથવા દુશ્મનાવટના કારણે પકડાઈ જતા હોય છે અથવા નવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે.ગુનામાં તેની સાથે કોણ સામેલ હતું? શું તે કોઈ બળવાખોર ગેંગનો સભ્ય છે? હાલમાં તે તેના જૂના સાથીદારોના સંપર્કમાં છે કે નહીં? સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતના જણાવ્યા મુજબ, શહેર અને રાજ્યની સુરક્ષા માટે જોખમી હોય તેવા તત્વોને શોધવા માટે છેલ્લા ૩૦ વર્ષના રેકોર્ડ તપાસવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ૬ પ્રકારના ગુનાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે.
વર્તમાન સ્થિતિ અને એક્શન પ્લાનઆ મેગા ડ્રાઈવમાં ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ સ્ટેશનો સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. ૩૮૦૦ જેટલા લોકોનું લિસ્ટ તૈયાર છે. જેમાં હાલ ૨૪૦૦ જેટલા લોકોના ડેટા એકત્રિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. ૨૧૭ આરોપીઓ જેલમાં છે, જ્યારે ૧૨૦૦ જેટલા ગુજરાત બહાર છે. શહેરથી દૂર રહેતા ૧૭૦ લોકો પર પણ નજર છે.લિસ્ટમાંથી લગભગ ૯૨ લોકોના મૃત્યુ થયા છે.
- ૭૦૦થી વધુ ડોઝિયર તૈયાર થઈ ચૂક્યા છે : પોલીસ કમિશનર
સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, “દિલ્હી બ્લાસ્ટ બાદ ૧૦૦ કલાકનો ટાર્ગેટ રાખીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ૭૦૦થી વધુ ડોઝિયર તૈયાર થઈ ચૂક્યા છે. ખાસ કરીને ૨૦૦૨ના સીમી (SIMI) કેસ અને ૨૦૦૮ના અમદાવાદ-સુરત બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા તત્વો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. જે આરોપીઓ વોન્ટેડ છે તેમના ફોટા એ.આઇ. સિસ્ટમમાં નાખવામાં આવ્યા છે.” આમ, સુરત પોલીસ ‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર‘ (ઉપચાર કરતા સાવચેતી ભલી) ના સિદ્ધાંત પર કામ કરી રહી છે. આરોપી ક્યાં રહે છે, શું કરે છે, કોને મળે છે અને તેની આવક શું છે—આ તમામ માહિતી એકત્ર કરી ભવિષ્યના કોઈપણ સંભવિત ખતરાને ટાળવા માટે તંત્ર સજ્જ બન્યું છે.










