સિટી ટુડે
આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો પૈસા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે, ત્યાં ઘણીવાર એવું સાંભળવા મળે છે કે માનવતા અને પ્રામાણિકતા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. પરંતુ કહેવાય છે ને કે ‘કળિયુગમાં પણ હજુ પ્રામાણિક માણસો જીવે છે’, અને આ વાતને સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે. એક પૂર્વ સૈનિકે પોતાની ફરજ અને નૈતિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીને સમાજમાં એક નવો રાહ ચીંધ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત તારીખ 3 જુલાઈ, 2026ના રોજ સુરત કોર્ટના જાણીતા વકીલ શ્રી કે. એ. નિખાર પોતાનું કોટ (બ્લેઝર) મહિલા વકીલ રૂમમાં ભૂલથી ભૂલી ગયા હતા. આ કોર્ટની અંદર રોકડા રૂપિયા 50,000/- (પચાસ હજાર) મુકેલા હતા. મોટી રકમ હોવાના કારણે વકીલ પણ ચિંતામાં મુકાયા હતા. પરંતુ, બીજા દિવસે એટલે કે તારીખ 4 જુલાઈ, 2026ના રોજ કોર્ટમાં નાઈટ ડ્યુટી પર હાજર થયેલા પૂર્વ સૈનિક (Ex-Army Man) યતીનભાઈ પરમારની નજર આ બ્લેઝર પર પડી હતી.
યતીનભાઈએ દેશની સરહદો પર જે સંસ્કાર અને ઈમાનદારી શીખી હતી, તેનો પરિચય આપતા તેમણે કોટ અને તેમાં રહેલી તમામ રોકડ રકમ સુરક્ષિત રીતે રાખી લીધી હતી. ત્યારબાદ, તેમણે આ તમામ રકમ અને કોટ સહીસલામત રીતે સંબંધિત મહિલા વકીલ બેનને પરત સોંપી દીધા હતા. પોતાની મહેનતના પૈસા પાછા મળતા જ મહિલા વકીલના જીવમાં જીવ આવ્યો હતો અને તેમણે યતીનભાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
જજ સાહેબના હસ્તે સન્માન
પૂર્વ સૈનિક યતીનભાઈ પરમારની આ અદ્ભુત પ્રામાણિકતા અને સચ્ચાઈની વાત જ્યારે કોર્ટના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી, ત્યારે સમગ્ર કોર્ટ પરિસરમાં તેમના ભારોભાર વખાણ થયા હતા. યતીનભાઈની આ ઉમદા કામગીરીની કદર રૂપે, સુરતના નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ દ્વારા તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. જજ સાહેબે પણ જણાવ્યું કે, આવા સનિષ્ઠ નાગરિકો જ સમાજની સાચી મૂડી છે, જેમના કારણે આજે પણ લોકોનો ન્યાય અને માનવતા પર ભરોસો કાયમ છે. આ ઘટના હાલ સુરતના કાનૂની જગત અને સામાન્ય જનતામાં ભારે ચર્ચાનો અને પ્રશંસાનો વિષય બની છે.

