સુરત, તા.૧૫
ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરવાનું શરુ કર્યુ છે. ગુજરાત ઉપર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બની છે. જેના પગલે સુરતના ઉપરપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સુરતના ઉમરપાડા મેઘરાજાની ભારે પવન સાથે તોફાની બેટિંગ કરી છે. ૪ કલાકમાં જ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.
સુરતના ઉમરપાડામાં ગઇકાલથી અત્યાર સુધીમાં ૧૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા છે. તો મોહન, વીરા, કરજણ નદી નદી બે કાંઠે વહેતી થઇ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સવારથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક સ્થળોએ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો રસ્તાઓ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદના પગલે ઉમરપાડામાં જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. વાહનો પાણીમાં ડુબી ગયા છે. ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તુટ્યો છે. વરસેલા ભારે વરસાદને લઇને તંત્ર દોડતું થયું છે.