- નશામાં ચકનાચૂર પાલિકા આસિસ્ટન્ટ ઈજનેરની ગાડી ડિવાઈડર કુદીને સામે છેડે પહોંચી ગઈ
- આવતા અઠવાડીયા નિલાંગ ગાયવાલાનું પ્રમોશન થવાનું હોવાની ચર્ચા…!
- ગાયવાલા નશામાં હોવાની ફરીયાદ થતાં પોલીસે મેડિકલ કેમ ન કરાવ્યું…?
(સિટી ટુડે) સુરત, તા.૧૫
સત્તાના નશામાં ચકનાચૂર એવા બેફામ વાણી-વિલાસના ધની નિલાંગ ગાયવાલાએ ગઈકાલે રાત્રે દારૂના નશામાં ચકનાચૂર થઈને અનેક વાહનોને ઉડાવી દીધા હતા જેને પગલે ત્રણ વાહનોનો ખુડદો બોલી ગયો હતો.
સુરત મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવી રહેલા વિવાદાસ્પદ આસિસ્ટન્ટ ઈજનેરની ચકાચોંધ લાઈફ સ્ટાઈલ જાેઈને ભલભલા મોઢામાં આંગળી નાંખી દે તેમ છે. હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલ, મોંઘાદાટ વસ્ત્રો, હેવી સૂઝ અને લાખોની કિંમતની રિસ્ટ વોચના શોખિન એવા નિલાંગ ગાયવાલાને સત્તાનો એટલો નશો છેકે, તેની સામે જતાં લોકોને અત્યંત ધિક્કારની નજરે જુએ છે તેમજ અત્યંત તોછડી ભાષામાં અપમાન કરીને કાઢી મુકે છે. સતત વિવાદોથી ઘેલાયેલા ગાયવાલાએ ઝાંપાબજારની એક જુની મિલકતમાં પણ કડદો કરીને અસલ માલિકને ભારે આર્થિક નુકશાન પહોંચાડવાનું પાપ કર્યું હતું. પાલિકાના આસિસ્ટન્ટ કક્ષાના ઈજનેર હોવાં છતાં કમિશનર જેવો ફાંકો રાખતા નિલાંગના વર્તનને કારણે તેના સાથી કર્મચારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
- પાછળથી આવેલી મોપેડ પર નાસી છુટ્યો
મોડીરાત્રે દારુના નશામાં ચૂર થઈને વાહનોનો ભુક્કો બોલાવી દેનાર આસિસ્ટન્ટ ઈજનેર સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમિત પટેલ (રહે.મંદિરવાળી શેરી, અંબાનગર, ખટોદરા) નોંધાવેલી સત્તાવાર ફરિયાદમાં પોલીસે આરોપીના નામનો ઉલ્લેખ કર્યો નથી જાેકે, પોલીસે નિલાંગ ગાયવાલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છેકે, ઉભેલા વાહનોને કતારબંધ ઠોકી દેનાર નિલાંગ ગાયવાલાની કાર એટલી પુરપાટ ઝડપે ચાલતી હતી કે ત્રણ વાહનોને અડફેટે લીધા બાદ તેની કિયા સેલ્ટોસ કાર નં. જીજે ૦૫-આરએ-૯૮૦૧ ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચી ગઈ હતી. સદનસીબે તેની કાર પલટી નહોતી ખાધી. જાેકે અકસ્માત સર્જતા જ દારુનો નશો ઉતરી ગયો હતો અને લોકો તેના સુધી પહોંચે ત્યાં તો એક સફેદ કલરની મોપેડ પર આવેલો શખ્સ તેને બેસાડીને ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. - સરકારી કર્મચારીને જેલ
સામાન્ય રીતે પોલીસ કાર્યવાહી થાય તો સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. સુરત મહાનગ પાલિકા જેવી મોભાદાર અર્ધસરકારી કચેરીના અધિકારી પાસે સજ્જનતા અને સૌમ્યતા હોવી જાેઈએ પરંતુ છાકટા જેવી ઈમેજ ધરાવતા નિલાંગ ગાયવાલાને સભ્ય સમાજમાં કોઈ સ્થાન આપી શકાય એમ નથી. સામાન્ય રીતે કોઈપણ સરકારી કર્મચારીને જેલના સળીયા ગણવા પડે એટલે નોકરીમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. નિલાંગ ગાયવાલાના કેસમાં ભાજપ અને કમિશનરની કસોટી થશે.