સુરત, તા.૨૩
રાજ્યમાં ઠંડીનું જાેર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. રાત્રિ દરમિયાનના લઘુતમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જાેર યથાવત્ છે.
આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતમાં બે દિવસથી ગાઢ ધુમ્મસની ચાદર પથરાતાં દિવસ દરમિયાન પણ વાહનચાલકોએ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તો સાથે એરપોર્ટ પર પણ વિઝિબિલિટી ૨૦૦ મીટરથી ઓછી થઈ જતાં ગતરોજ ૬ ફ્લાઇટ ૫ કલાક સુધી મોડી પડી હતી. તો આજે પણ સવારના ભારે સ્મોગ વચ્ચે દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈની ફ્લાઈટને લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૮૦% કરતાં પણ વધુ ભેજનું પ્રમાણ નોંધાયું છે. આ ભેજ ઠંડીમાં વધારો થવા દેતું નથી. તથા દિવસ દરમિયાન પણ સૂર્યનાં સીધા કિરણો જમીન પર ન આવતા દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે.
જ્યારે રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાન વધુ રહેતા ઠંડીનું જાેર ઘટ્યું છે. એટલે કે, મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે અને લઘુતમ તાપમાન વધી રહ્યું છે, જેથી ઠંડીમાં રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના ભાગો પર ઇન્ડ્યુસ લો પ્રેશર સર્જાયું છે. હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવનો આવી રહ્યા છે એટલે કે રાજસ્થાન તરફથી આવતા પવનોને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજ ગુજરાત પર સ્થાયી થયા છે, જેને કારણે દિવસ દરમિયાન સીધો સૂર્યપ્રકાશ જમીન પર પહોંચી શકતો નથી અને વાતાવરણના ભેજને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકતો નથી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર અરબ સાગરના ભેજને કારણે ગુજરાત પર મોઈશ્ચર ઇન્કર્શન થઈ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો આવી રહ્યા છે અને રાજસ્થાન પર સર્જાયેલું પ્રેશર આ ભેજને ગુજરાત પર અટકાવી રાખે છે. ૨૬થી ૨૮ ડિસેમ્બર દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદને પણ શક્યતાઓ છે. હાલની સ્થિતિના અવલોકન મુજબ જે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે ત્યાં યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
સુરતમાં બે દિવસથી ધુમ્મસનું વાતાવરણ જાેવા મળ્યું હતું. ગતરોજ બપોર બાદ પણ રસ્તા ઉપર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી જાેવા મળતા વાહનચાલકોએ મુશ્કેલી અનુભવી હતી. તો આજે પણ વહેલી સવારથી ધુમ્મસનું પ્રમાણ વધુ જાેવા મળી રહ્યું છે. વાહનચાલકોને ૨૦થી ૨૫ ફૂટ દૂરનાં વાહનો પણ ન દેખાય તે પ્રકારની સ્થિતિ જાેવા મળી હતી.