હૈદરાબાદ, તા.૨૬
લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ દિલ્હી કોંગ્રેસના નેતા અજય માકને આમ આદમી પાર્ટી સરકાર સાથેના જાેડાણને ‘ભૂલ’ ગણાવી હતી. માકને જણાવ્યું હતું કે હવે આ ભૂલ સુધારવી જરૂરી છે. દિલ્હીમાં ૧૨ સૂત્રીય ‘શ્વેતપત્ર’ જાહેર કરતાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી(આપ) અને ભાજપ પર પ્રદૂષણ, નાગરિક સુવિધાઓ અને કાયદો-વ્યવસ્થા જેવા વિવિધ મુદ્દાઓ પર તેમના કથિત અધુરા વચનો અને ગેરવ્યવસ્થાને લઈને નિશાન તાક્યું છે. એક પત્રકાર પરિષદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના ખજાનચી અજય માકને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન તાકીને કહ્યું કે તેમની પાર્ટી જનલોકપાલ આંદોલનના બળ પર સત્તામાં આવી, પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. આ પ્રસંગે, તેમણે ‘મૌકા મૌકા, હર બાર ધોખા’ શીર્ષક સાથે શ્વેતપત્ર જાહેર કરીને કહ્યું કે, જાે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું એક શબ્દમાં વર્ણન કરવામાં આવે તો એ ફક્ત ફર્જીવાલ છે. આખા દેશમાં છેતરપિંડીનો જાે કોઈ રાજા છે તો એ કેજરીવાલ છે, અને એટલા માટે અમે કેજરીવાલ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારની સામે શ્વેતપત્ર લઈને આવ્યા છીએ. આ બાબતને લઈને હજુ સુધી ભાજપ કે આમ આદમી પાર્ટીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.