નવી દિલ્હી, તા.૨૬
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ માટે તે અન્ય પક્ષો સાથે વાત કરશે.
દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે આજે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જાે કોંગ્રેસ અજય માકન સામે કાર્યવાહી નહીં કરે તો આપ નેતાઓ ઇન્ડિયાના અન્ય નેતાઓ સાથે વાત કરીને કોંગ્રેસને ગઠબંધનથી બાકાત કરવાની અપીલ કરશે.
આપ નેતાઓમાં કોંગ્રેસને લઈને ભારે નારાજગી છે. જેના કારણે આપ કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માટે અન્ય પક્ષો સાથે વાત કરશે. આપનો આરોપ છે કે કોંગ્રેસ ભાજપ સાથે મળીને કામ કરી રહી છે. આપ નેતાઓ કોંગ્રેસ નેતાઓના સતત નિવેદનોથી નારાજ છે. તેમજ બુધવારે જ દિલ્હી યુથ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી. જેના કારણે આપ નેતાઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. આટલું જ નહીં કોંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલ વિરુદ્ધ આપેલા નિવેદનથી પણ આપ નેતાઓમાં ભારે નારાજગી છે.
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું છે, કે કોંગ્રેસ નેતાઓના નિવેદનથી સાફ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસે હવે ભાજપ સાથે જ સાંઠગાંઠ કરી લીધી છે. કોંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલ માટે એન્ટિ નેશનલ શબ્દપ્રયોગ કર્યો. શું કોંગ્રેસે ભાજપ સાથે ક્યારેય આવા શબ્દો કહ્યા છે? સંજય સિંહે પણ કહ્યું છે, કે દિલ્હીની અંદર કોંગ્રેસ ભાજપના પક્ષમાં ઊભી થઈ ગઈ છે. કોંગ્રેસ દરેક એવા કામ કરી રહી છે જેનાથી ભાજપને જ ફાયદો થાય. કોંગ્રેસ નેતા અજય માકન તો ભાજપની જ સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ભાજપના કહેવાય પર કોંગ્રેસ નેતાઓ આપ પર નિશાન સાધી રહ્યા છે.
દિલ્હી યુથ કોંગ્રેસના અધ્યક્ષ અક્ષય લાકરાએ ૨૫ ડિસેમ્બરની સાંજે સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લાકરાએ આરોપ લગાવ્યો હતો કે આપએ તેની યોજનાઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોર્યા છે અને છેતર્યા છે. તેમજ આપની યોજનાઓની પ્રામાણિકતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આ મુદ્દાને લઈને કેજરીવાલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.