સુરત, તા.૦૪
સાપુતારામાં બસ ખીણમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં આશરે ૪૮ જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી ૬ જેટલા મુસાફરોનું કરુણ મૃત્યુ થવા પામ્યું હતું. જ્યારે ૨૭ જેટલા ગંભીર રીતે ઘાયલ દર્દીઓને સુરત સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર બાદ આજે ૨૬ ઇજાગ્રસ્તોને વતન રવાના કરવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તો માટે સુરત પોલીસ દ્વારા બસ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ સાથે જ આ બસમાં એક પોલીસની ટીમ પણ મોકલવામાં આવી હતી. પિતાગ રસ્તોએ જણાવ્યું હતું કે, ચારધામની યાત્રા અધૂરી રહી છે અને છ સાથીદારો અમે ગુમાવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ વહેલી સવારે ૪ઃ૩૦થી ૫ વાગ્યાના સુમારે આહવા તાલુકાના સાપુતારા-માલેગામ ધાટમાર્ગમા મધ્યપ્રદેશથી ધાર્મિક પ્રવાસે નીકળેલી કુલ ૪ જેટલી ખાનગી લક્ઝરી બસો કે જે મહારાષ્ટ્રના નાસિકથી (ત્ર્યંબકેશ્વર) ગુજરાતના દ્વારકા તરફ જઈ રહી હતી, ત્યારે બસ ખીણમાં પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં આશરે ૪૮ જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે પાંચ અને ત્યાર બાદ એકનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ ૨૭ જેટલા ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી આ મુસાફરોની સારવાર કરવામાં આવી રહી હતી. એક દર્દીનું ઘુટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય ૨૬ જેટલા મુસાફરો પૈકી ૨૬ની હાલતમાં સુધાર થતા તેમના પરિવારજનો વતન લઈ જઈને સારવાર કરવા જણાવ્યું હતું. જેના પગલે સુરતની ખટોદરા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ખટોદરા પોલીસના પીઆઇ ભાવેશ રબારી દ્વારા ૨૬ મુસાફરોને વતન જવા માટે બસ અને બે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આજરોજ આ તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને બસ અને એમ્બ્યુલન્સ મારફતે વતન રવાના કરવામાં આવ્યા હતા.
પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે, સાપુતારામાં અકસ્માતની ઘટના બાદ ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મુસાફરોની મુલાકાત પણ લેવામાં આવી હતી. તમામ દર્દીઓની સારવારની પણ તમામ તકેદારીઓ રાખવામાં આવી હતી. ત્યાં તેમની સ્થિતિમાં સુધાર થતાં વતન રવાના કરવામાં આવ્યા છે. ૨૨ મુસાફરોને બસ અને ચાર દર્દીઓને એમ્બ્યુલન્સમાં રવાના કરવામાં આવ્યા છે. તેમના માટે એ પોલીસની ટીમ પણ બસમાં રાખવામાં આવી છે. એક દર્દી સારવાર મેળવી રહ્યો છે તેને પણ સારું થયા બાદ વ્યવસ્થા કરીને મોકલવામાં આવશે.
