અમદાવાદ,તા.૪
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ‘ભાજપના કાર્યકરો-આગેવાનો કઈ રીતે ખેસ પહેરીને અધિકારીઓ પાસે દલાલ બની ગયા છે’ તેવા નિવેદનથી ભ્રષ્ટાચારી ભાજપના ચાલ, ચલન, ચરિત્ર અને ચહેરો વધુ એક વાર ખુલ્લો પડી ગયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ નીતિન પટેલના નિવેદન અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે, ભાજપનો ખેસ પહેરો અને લૂંટના લાઈસન્સ લઈ જાઓ તેવી ભાજપની નીતિ રહી છે. ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અન્ય કોઈપણ સરકારી પ્રમાણપત્રો, ખેડૂતનો દાખલો હોય તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી ભાજપે તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી છે. ગુજરાતમાં કાંડ અને કૌભાંડમાં ભાજપનો ખેસ એટલે એને લૂંટવાનો પરવાનો મળે છે. નકલી પીએમઓ-સીએમઓ અધિકારી, નકલી ઈન્કમટેક્સ અધિકારી, ઈ.ડી., પોલીસ સહિતના વિવિધ અધિકારીઓ તો જાેયા, સાથોસાથ નકલી ચલણી નોટો, નકલી ન્યાયાધીશ, નકલી સરકારી કચેરીઓ દ્વારા કરોડો રૂપિયા સગેવગે કરવાનાના કૌભાંડીઓ ભાજપ સાથે સીધી સાંઠગાંઠ ધરાવતા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જે વ્યથા વ્યક્ત કરી છે તે હકીકતમાં ભાજપની ભ્રષ્ટાચારની કથા છે.
ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાઈસન્સ ચાલે છે. એટલે કે, ભાજપનો ખેસ પહેરો લૂંટફાટ ચલાવો, એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો તેવી નીતિને લીધે સમગ્ર ગુજરાતમાં વારંવાર કૌભાંડો થઈ રહ્યા છે. કાંડ અને કૌભાંડને કારણે કરોડો રૂપિયા કમલમમાં જમા થાય છે. આ લૂંટના કોથળા ભરીને આવેલા રૂપિયાથી ભાજપ પોતાના તમામ મનસૂબા સત્તા મેળવવા અને ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે.
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, ભાજપ સરકાર મગફળીકાંડ, તુવેર-ડાંગર-ખરીદીકાંડ, સહિત ખેડૂતોને નુકસાની થાય તેવા કાંડ અને કૌભાંડો થયા. શિક્ષણમાં ભ્રષ્ટાચાર આસમાને, આરોગ્ય વિભાગના ખરીદી કૌભાંડો, સરકારી ભરતીમાં પેપર ફૂટે, કૌભાંડ એ સામાન્ય બાબત બની છે.