સુરત,તા.૦૮
સુરતના આઉટર રિંગરોડના વાલકબ્રિજ ઉપર ૭ ફેબ્રુઆરીની મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી ટાટા હેક્સા કારના ચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનને હડફેટે લઈ છ વ્યક્તિને ઉડાવી હતી. આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. બન્ને મૃતક સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે. આ ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં એક જ પરિવારના બાળક સહિતના ત્રણનો સમાવેશ થાય છે, જેમાં માતા-બાળક આઇસીયુમાં દાખલ છે.
મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર ટાટા હેક્સા કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો. ગઈકાલે યુવતી સહિતના ત્રણ મિત્રો સાથે ૨૦ વર્ષીય કીર્તન ફાર્મહાઉસ ગયાં હતાં અને પરત ફરતા સમયે તેણે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકના પરિવારજનના જણાવ્યા મુજબ, કારમાં એક યુવતી અને ત્રણ યુવક સવાર હતાં. કારની સ્પીડ ૧૩૦-૧૫૦ હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું. હાલમાં પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે. બંને મૃતક ભાઈઓની તેમના નિવાસસ્થાનેથી બપોરે એકસાથે અર્થી ઉઠતા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. કારચાલક નબીરા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી મુજબ, સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં. જીજે-૦૫-આરએફ-૦૩૧૭ના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી. કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.૪૨) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.૪૮)નાં સારવાર મળે એ પહેલાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ સાથે જ અડફેટે આવેલાં વાહનોનો પણ કડુહલો બોલી ગયો હતો. બનાવની જાણ થતાં લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો સવાર હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો.
અકસ્માત કરીને બે ભાઈઓને મોતને ઘાટ ઉતારનાર નબીરા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ બીએનએસની કલમ ૧૦૫, ૧૧૦, ૨૮૧, ૧૨૫ (એ), (બી) અને મોટર વહીકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
