રાયપુર, તા.૧૫
છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરિયો લહેરાયો છે. ભાજપે તમામ ૧૦ નગર પાલિકામાં મેયર પદની ચૂંટણી જીતી લીધી છે. સૌથી મોટી જીત રાયપુરમાં મીનલ ચૌબેને મળી છે. મીનલ ચૌબેએ ૧ લાખ ૫૩ હજારથી વધુ મતથી દિપ્તિ દુબેને હરાવ્યા છે. રાયપુરમાં આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. રાયપુરમાં ૧૫ વર્ષ સુધી કોંગ્રેસના મેયર હતાં. આ સિવાય દુર્ગ, રાજનાંદગાંવ, બિલાસપુર, જગદલપુર, અંબિકાપુર, રાયગઢ, ચિરમિરિના નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયાં છે. રાજનાંદગાંવ નગર પાલિકામાં મેયર પદ માટે થયેલી ચૂંટણીમાં ભાજપના મધુસુદન યાદવે જીત મેળવી છે. ચૂંટણીમાં મધુસુદનને કુલ ૬૨,૫૧૭ મત મળ્યા છે. જ્યારે નિખિલ દ્વિવેદીને કુલ ૨૧,૩૭૯ મત મળ્યા છે. મધુસુદન યાદવે કોંગ્રેસના નિખિલ દ્વિવેદીને ૪૧,૧૩૮ મતોથી હરાવ્યા છે. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો હતો. મધુસુદન યાદવ ભૂતકાળમાં સાંસદ અને મેયર પણ રહી ચુક્યા છે. મધુસુદનને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહના નજીકના માનવામાં આવે છે. કારણ કે આ ડૉ. રમણ સિંહનું હોમ ટાઉન છે અને તેમનો જાદુ અહીં કામ કરી ગયો. ડૉ. રમણે મુખ્યમંત્રી સાથે ચૂંટણી સભાઓ કરી હતી.
