છઠ્ઠા તબક્કામાં સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં ૭૭.૯૯% નોંધાયું છે જ્યારે સૌથી ઓછું જમ્મુ-કાશ્મીરમાં ૫૧.૩૫% મતદાન નોંધાયું હતું
નવી દિલ્હી, તા.૨૫
લોકસભા ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને છઠ્ઠા તબક્કામાં શનિવારે મતદાન થયું હતું. આ તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૫૮ બેઠકો પર મતદાન થયું હતું, જેમાં હરિયાણાની બધી જ ૧૦ અને દિલ્હીની બધી જ ૭ બેઠકોનો સમાવેશ થાય છે. છઠ્ઠા તબક્કામાં ૧૧ કરોડથી વધુ મતદારો કુલ ૮૮૯ ઉમેદવારોનું ભાવિ નિશ્ચિત કરશે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રી, ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી કંગના રણૌત સહિતના ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ થાય છે. લોકસભાની સાથે ઓડિશાની ૪૨ વિધાનસભા બેઠકો પર પણ આજે મતદાન થયું હતું. અસહ્ય ગરમી હોવા છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો હોય તેમ સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૫૭.૭ ટકા મતદાન નોંધાયું છે.
ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા મુજબ સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં ૭૭.૯૯% નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું જમ્મુ-કાશ્મીરમાં ૫૧.૩૫% મતદાન નોંધાયું છે.સાત તબક્કાની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણાની બેઠકો ઉપરાંત ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ચિમ બંગાળમાં જંગલ મહલ પ્રદેશ અને બિહારની ૮-૮, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થયું. છઠ્ઠા તબક્કામાં ૫.૮૪ કરોડ પુરુષો અને ૫.૨૯ કરોડ મહિલાઓ સહિત કુલ ૧૧.૧૩ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ માટે ચૂંટણી પંચે કુલ૧.૧૪ લાખ મતદાન મથકો પર ૧૧.૪ લાખ પોલિંગ અધિકારીઓ નિયુક્ત કર્યા હતા.
ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બપોરે ૩ વાગ્યા સુધી પ બંગાળમાં ૭૦.૧૯% નોંધાયું હતું, જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું ૪૩.૯૫% નોંધાયું. સરેરાશ મતદાનની વાત કરીએ તો એક વાગ્યા સુધીમાં ૪૯.૨૦% મતદાન નોંધાયું હતું. જાે કે ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઊંચો જાેવા મળ્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોની પણ મતદાન કરવા આવ્યો હતો. ચૂંટણી પંચે ટિ્વટ કરીને આપી જાણકારી આપી હતી. ગાંધી પરિવારે કર્યું મતદાન, વોટિંગ બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ પણ મતદાન કર્યું હતું. તેમણે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે અમે બંધારણ અને લોકશાહી માટે મતદાન કર્યું છે. રાહુલ ગાંધી દ્વારા આપ અને કેજરીવાલ દ્વારા કોંગ્રેસને વોટ આપવા અંગેના સવાલ પર તેમણે કહ્યું કે મને આ વાત પર ગર્વ છે.
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. કારણ કે છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં તૃણમૂલ કાર્યકરની હત્યા કરવામાં આવી હતી અને અન્ય એક કાર્યકર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચૂંટણી વચ્ચે માથાકૂટ થઇ હતી. અનંતનાગ-રાજૌરી બેઠક પર મતદાન વચ્ચે મહેબૂબા મુફ્તી અને તેમની પાર્ટીના નેતાઓ ધરણાં કરવા બેસી ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાનો આરોપ છે કે તેમની પાર્ટીના પોલિંગ એજન્ટ અને કાર્યકરોની કારણ વગર જ ધરપકડ કરી લેવામાં આવી છે.
છઠ્ઠા તબક્કામાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ૨૨૨૨ ફ્લાઈંગ સ્ક્વોડ, ૨૨૯૫ સ્ટેટિક સર્વેલન્સ ટીમો, ૮૧૯ વીડિયો સર્વેલન્સ ટીમો અને ૫૬૯ વીડિયો વ્યુઈંગ ટીમો ગોઠવવામાં આવી હતી. જાેકે, ચૂંટણી પંચ માટે બંગાળમાં સ્થિતિ પડકારજનક રહી.
અહીં નંદીગ્રામમાં બુધવારે રાતે ભાજપની મહિલા કાર્યકરના મોત પછી સ્થિતિ તણાવપૂર્ણ હતી. દરેક તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં છુટીછવાઈ હિંસાએ ચૂંટણી પંચની ચિંતા વધારી હતી.
છઠ્ઠા તબક્કામાં ભાજપ સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા બ્લોકના અન્ય પક્ષોના અનેક અગ્રણી નેતાઓનું નસીબ દાવ પર છે. છઠ્ઠા તબક્કાના મતદાનમાં કુલ ૫૮ બેઠકોમાંથી ૧૫ બેઠકો પરની ચૂંટણી હાઈપ્રોફાઈલ હોવાનું મનાય છે, જેમાં ત્રણ પૂર્વ મુખ્ય મંત્રી અને ત્રણ કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. હરિયાણામાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેશે. હરિયાણામાં કેન્દ્રિય મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી ઉપરાંત મંડી બેઠક પરથી અભિનેત્રી કંગના રનૌતે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, ત્યારે આખા દેશની નજર આ બેઠક પર રહેશે. બીજી તરફ, હરિયાણાની કરનાલ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર તથા કુરુક્ષેત્ર બેઠક પરથી ઉદ્યોગપતિ નવીન જિંદાલ પહેલી વખત ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે. રોહતક બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ચૂંટણી મેદાનમાં છે.
ઉત્તર પ્રદેશમાં ૧૪ બેઠકો પર મતદાન થયું, જેમાં સુલતાનપુર, પ્રતાપગઢ, ફુલપુર, અલ્લાહાબાદ, આંબેડકરનગર, શ્રાવસ્તિ, ડોમરિયાગંજ, બસ્તી જેવી બેઠકો સામેલ છે. સુલતાનપુરથી મેનકા ગાંધીએ સતત નવમી વખત લોકસભામાં પ્રવેશ માટે ઝંપલાવ્યું છે. ઉત્તર પ્રદેશના આઝમગઢથી ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ, ડુમરિયાગંજ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી જગદંબિકા પાલ પાંચમી વખત ચૂંટણી મેદાનમાં છે. ગુડગાંવ બેઠક પર કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજિત સિંહ સામે રાજ બબ્બર મેદાનમાં છે. એવી જ રીતે, ઓડિશામાં સંબલપુર બેઠક પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે પુરી બેઠક પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ચૂંટણી મેદાનમાં છે. પશ્ચિમ બંગાળમાં કાંથી બેઠક પર ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના ભાઈ સૌમેન્દુ અધિકારી મેદાનમાં છે જ્યારે તમલુક બેઠક પર કલકત્તા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયે પહેલી વખત ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી છે.