મુંબઈ, તા.૨૦
મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી અંગે તમામ રાજકીય પક્ષો અથાક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે ‘જાે અમારો પક્ષ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ સત્તામાં આવશે, તો અમારી સરકાર મુંબઈમાં ધારાવી રિડેવલપમેન્ટ માટે અદાણીનો પ્રોજેક્ટ રદ કરશે.
અમે ધારાવીના રહેવાસીઓ અને વેપારીઓને આશ્વાસન આપીએ છીએ કે, અમારી સરકાર દ્વારા તમને બીજા સ્થળે મોકલવાની ફરજ નહીં પડાય. આ ઉપરાંત અમે અહીં રહેતા લોકોને ૫૦૦ ચોરસફૂટ ક્ષેત્રફળના ઘર આપવાની પણ હિમાયત કરીએ છીએ.’
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઠાકરેએ જણાવ્યું કે, ‘અમે સત્તા પર આવ્યા બાદ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ટેન્ડર રદ કરીશું. તેમજ હાલની સરકારે જવાબ પણ આપવો પડશે કે, તેમણે શા માટે આ ટેન્ડર રદ કર્યું નથી.
અમે મુંબઈને અદાણી સિટી બનવાની મંજૂરી આપીશું નહીં. અદાણી ગ્રૂપને વિશ્વની સૌથી મોટા સ્લમ એરિયા ધારાવીને રિડેવલપ કરવાનો પ્રોજેક્ટ અપાયો છે. આ કોન્ટ્રાક્ટમાં વધારાના લાભો પણ અપાયા છે, પરંતુ અમે વધારાના લાભો નહીં આપીએ. અમે ધારાવીના રહેવાસીઓ માટે શું સારું છે, તે વિચારીને કામ કરીશું. અને જરૂર પડ્યે નવું ટેન્ડર બહાર પાડીશું.’
વિશ્વનો સૌથી મોટા ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારને રિડેવલપ કરવાનો પ્રોજેક્ટ અદાણી ગ્રૂપને અપાયો છે. તેઓ અહીં મકાનોનું નિર્માણ કરશે, જેનો વિપક્ષ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે આ મહિનાની શરૂઆતમાં દાવો કર્યો હતો કે, ધારાવી રિડેવલપમેન્ટ એક મોટું કૌભાંડ છે. આ માટે તેમણે મહારાષ્ટ્ર સરકાર પાસે શ્વેત પત્ર જાહેર કરવાની પણ માગ કરી હતી.