સુરત, તા.૧૬
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી વધી રહી છે તો બીજી તરફ છેલ્લા છ દિવસમાં જ ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલે ત્રણ દરોડા પાડી, જુગાર, કોલસા ચોરી અને દારૂનો કેસ કરી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. કામરેજમાં ૭૭ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો, ત્યારબાદ ફરી કામરેજમાં જ ઈમ્પોર્ટેડ કોલસાની ચોરીના રેકેટ પર રેડ કરી, અને અંતે લિંબાયત વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેડ કરીને સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડી છે. મંગળવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એક મોટો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. ટીમે કામરેજના ઉમભેળ નજીક મહાદેવ હોટલ પાસે બે કન્ટેનરને રોક્યા હતા. જે રાજકોટ તરફ જઈ રહ્યા હતા. કન્ટેનરમાં ૭૭ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ હતો. દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે આ કિસ્સામાં કુલ ૧.૨૭ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલએ એક કન્ટેનરના ડ્રાઈવરને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ આ દારૂનો મૂળ સૂત્રધાર કોણ છે, આ દારૂ કોને પહોંચાડવો હતો અને અન્ય લોકો આ કિસ્સામાં જાેડાયેલા છે કે કેમ તે જાણવા માટે તપાસ શરુ કરી છે. મંગળવારની આ ઘટનાથી માત્ર ૫ દિવસ પહેલાં જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કામરેજના ખડસદ વિસ્તારમાં એક મોટું ઇમ્પોર્ટેડ કોલસા ચોરીનું રેકેટ પકડી પાડ્યું હતું. ૪૫.૬૯ લાખના મુદ્દામાલ સાથે આ રેકેટના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પાંચ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારના નીલગીરી ફાટક નજીક ચાલતા એક જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેઈડ દરમ્યાન ૬૦ લોકોને દબોચવામાં આવ્યા, અને તેમની પાસેથી ૨.૪૦ લાખ રૂપિયાની રોકડ સાથે જુગારમાં વપરાતા પ્લાસ્ટિકના કોઇન મળ્યા.ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના એક એપાર્ટમેન્ટના ત્રીજા માળની છત પર જુગારધામ ચાલતું હતું, જ્યાં તાડપત્રી બાંધી જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે દરોડો પાડી જુગાર રમતા અને રમાડતા મળી કુલ ૬૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ જુગારધામનો મુખ્ય સંચાલક સન્ની પાટિલ છે, જે રેડ સમયે ત્યાં હાજર ન હતો.
સુરત શહેર અને જિલ્લામાં એક પછી એક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી રેડની કામગીરી બાદ હવે કામરેજના બે અને લીંબાયતના એક કેસમાં ડીવાયએસપી કક્ષાના અધિકારી તપાસ કરશે. જાે જવાબદાર અધિકારીઓની બેદરકારી સાબિત થશે, તો તેમના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઘણા બેદરકારીના કિસ્સાઓમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ થઈ છે. સાથે, એવું જાેવા મળ્યું છે કે ઘણા કિસ્સાઓમાં, જ્યાં સ્થાનિક પોલીસની તપાસમાં કોઈ ખામી જાેવા મળે છે, ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ પણ પોતાની રીતે તપાસ કરી ડીજીને રિપોર્ટ આપવામાં આવે છે.