નવીદિલ્હી,તા.૨૪
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે.એક વીડિયો શેર કરતા તેણે લખ્યું, લસણ એક સમયે ૪૦ રૂપિયા હતું, આજે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસનું રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકાર કુંભકરણની જેમ સૂઈ રહી છે.
રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચનાર પાસેથી અલગ-અલગ શાકભાજીના ભાવ પૂછી રહ્યો છે. રાહુલ સાથે મહિલાઓ પણ છે. એક મહિલા કહે છે કે સોનું સસ્તું થશે પણ લસણ નહીં. એક મહિલાએ જણાવ્યું હતું કે સલગમ જે એક સમયે ૩૦-૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા હતા તે હવે ૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. વટાણા ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. શાકમાર્કેટ ગીરી નગરનું છે. રાહુલ ગાંધીએ મહિલાઓને કહ્યું કે દર વર્ષે મોંઘવારી વધી રહી છે. તેનાથી તમારા પર દબાણ વધશે.