સુરત, તા.૨૪
સુરતના પાલ સ્થિત આરટીઓ કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન હોવાના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકા લાયસન્સ મેળવવા માટે દિવસનો સમય કાઢીને આવનારા ૨૦૦થી ૨૫૦ અરજદારો રોજના ધક્કા ખાઈને પરત ફરવા મજબૂર બન્યા છે. અપોઈન્ટમેન્ટની તારીખે લોકો સ્કૂલ, કોલેજ કે નોકરીમાંથી સમય કાઢીને ટેસ્ટ ડ્રાઈવ આપવા પહોંચે છે, પરંતુ આરટીઓના સર્વર ડાઉન હોવાને કારણે ટેસ્ટ માટે જરૂરી પ્રોસેસિંગ શક્ય બનતી નથી. પરિણામે અરજદારોને સતત પરત મોકલવામાં આવી રહ્યા છે.સુરત આરટીઓમાં રોજના દર શેનેતર દ્વિચક્રી અને ફોરવ્હીલર વાહન માટે પાકા લાયસન્સની ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવે છે. જાેકે, છેલ્લા ત્રણ દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટેના સોફ્ટવેરનું સર્વર સ્લો અથવા સંપૂર્ણ બંધ રહેતા કાર્યવાહી ઠપ્પ પડી ગઈ છે.
આ પ્રકારની સમસ્યા અગાઉ પણ જાેવા મળી છે. સર્વરના ટેકનિકલ ખામી અથવા અપર્યાપ્ત મેન્ટેનન્સને કારણે આરટીઓની કામગીરી વારંવાર વિલંબમાં રહે છે. આ સમસ્યાને લીધે લાયસન્સ માટેની સમગ્ર પ્રક્રિયા ખોરવાઈ જાય છે અને અરજદારોની રુટિન કામગીરી પર માઠો અસર પડે છે. ટેસ્ટ માટે આવ્યા બાદ પરત ફરેલા અરજદારોમાં ભારે નારાજગી છે. તેમનું કહેવું છે કે, સર્વર બંધ હોવા છતાં પૂર્વ જાણ કરવામાં નથી આવતી, જેનાથી તેમનો સમય વેડફાય છે. આ આઈટી ખામી તાત્કાલિક રીતે સુધારવી તંત્રની ફરજ છે. આરટીઓ માટે આધારભૂત ટેકનોલોજી સંચાલનને પ્રાથમિકતા આપવી જરૂરી છે, જેથી નાગરિકોને આ પ્રકારની મુશ્કેલીઓથી રાહત મળી શકે.
આ ઘટનાથી પ્રજામાં રોષ છે અને તેઓ ઝડપી અને કાયમી ઉકેલની માગ કરી રહ્યા છે. આરટીઓ તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કયા પગલાં લેશે તે જાેવાનું રહેશે.