સુરત, તા.૨૭
૩૧જંની ઉજવણી પહેલાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. છેલ્લાં ૩ વર્ષમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલા અને જેમની સામે પાસાની કાર્યવાહી થઈ છે તેવા ૫૦૦ લોકોને પોલીસે પરેડ ગ્રાઉન્ડ પર એકત્ર કરીને તેમનો ક્લાસ લીધો હતો. આ દરમિયાન પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે તમામ આરોપીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે કોઇના ઝઘડા વચ્ચે પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જવાના છો. તમને લોકોને છેલ્લી તક આપવામાં આવી રહી છે. સુરતના લોકોને હેરાનગતિ થઈ તો તમારું આવી બનશે.
છેલ્લાં ૩ વર્ષમાં થયેલા રીઢા ગુનેગારોની ઓળખ પરેડ સુરત પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત પોતે હાજર રહ્યા હતા. શહેરમાંથી ૫૦૦થી વધુ શખસોને એક જ સ્થળે એકત્ર કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં તેઓ કોઇપણ ગુનાને અંજામ ન આપે એ માટે પોલીસ કમિશનરે ચેતવણી આપી હતી.
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે કહ્યું હતું કે જે લોકો સમાજના લોકોને રંજાળતા રહે છે તેમના પર પાસાની કાર્યવાહી કરવામાં આવે છે. અમુક લોકો એવા છે કે વારંવાર એક જ ગુનો કરતા હોય છે. નવો કાયદો આવ્યો છે. એકથી વધુ ગુનો કરવાવાળા પર અલગથી જાેગવાઈ છે અને આ સેક્શન તમારી પર લાગશે તો તમે લાંબા સમય માટે અંદર જશો.
આરોપીઓને સંબોધતાં પોલીસ કમિશનરે તેમને કહ્યું હતું કે કેટલા લોકો છાપા વાંચે છે? હાથ ઉપર કરો… છાપામાં આવે છે કે દરરોજ સજા થાય છે. મારામારી અને છેડતી કરનારા લોકોને જેલવાસ થાય છે. તો તમે લોકો ધ્યાન રાખજાે. જશો અંદર અને સજા થશે, તમારો ઘર- પરિવાર રખડી જવાનો છે. સમજી રહ્યા છોને વાત? તમને આ માટે બોલાવવામાં આવ્યા છે કે તમને તક આપવામાં આવે છે, સુધરી જાઓ, નહીંતર સમજી લેશો નવો કાયદો અને પોલીસ પોતાની રીતે એક્શન લેશે.
કોઇપણ સંજાેગોમાં સમાજના લોકો અને સુરતના લોકોને તકલીફ પડી તો પોલીસ ચલાવી લેશે નહીં. આ માટે તમને લોકોને એકઠા કરવામાં આવ્યા છે. ઘર-પરિવાર છે તો તમે ધ્યાન રાખજાે. તમે બહાર જાહેરમાં જઇને મારામારી અને બીજાની મિત્રતા નિભાવવા માટે ગયા, કોઇના ઝઘડા વચ્ચે પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જવાના છો. એકપણ તકલીફ સુરતની પ્રજાને પડશે તો તમારી પર સખત કાર્યવાહી કરવામાં આવશે.