સુરત, તા.૨૭
સુરતના સરથાણામાં એક દીકરાએ સમગ્ર પરિવાર પર ઘાતકી હુમલો કર્યો છે. સ્મિત જીવાણી નામના યુવકે પત્ની-બાળકનાં ચપ્પાથી ગળાં કાપી હત્યા કરી નાખી તથા માતા-પિતાને પણ ચપ્પાના ઘા માર્યા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તો માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યા છે. ઉલ્લેખનીય છે કે પારિવારિક મનદુઃખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો, જેને લઇને આ કરુણ ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાના હાલ એક સીસીટીવી બહાર આવ્યા છે, જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં માતા ઘરની બહાર આવી ગયાં હતાં અને આજુબાજુના લોકોને જાણ કરી હતી. ત્યાર બાદ પિતા પણ ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં ઊભા હોય એવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે.
એસીપી વિપુલ પટેલે જાણકારી આપતાં જણાવ્યું હતું કે આજે (૨૭ ડિસેમ્બર) સવારે સરથાણા પોલીસ સ્ટેશન નજીક રાજહંસ સ્વપ્ન સૃષ્ટિ બંગલોઝ સોસાયટીમાં સૂર્યા ફ્લેટની અંદર ૮મા માળે એક વ્યક્તિએ પોતાને તથા પોતાના પરિવારને ઈજા પહોંચાડી હોવાનો કોલ મળતાં તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં તપાસ કરતાં માલૂમ પડ્યુ હતું કે ઘર નં.૮૦૪માં રહેતા સ્મિત જીવાણીએ તેના પિતા લાભુભાઈ તથા માતા વિલાસબેન, પત્ની હિરલબેન, પુત્ર ચાહત અને પોતાને પણ ઇજા પહોંચાડી હતી, જેમાં તેનાં પત્ની અને પુત્રનાં મોત નીપજ્યાં છે, જ્યારે તેનાં માતા-પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગે તપાસ કરતાં વિગત મળી છે કે હુમલો કરનારના કાકાનું થોડા દિવસ પહેલાં આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું. એને પગલે રીતરિવાજ મુજબ સ્મિત તેમના ઘરે બેસવા-ઊઠવા જતો હતો. ત્યારે તેમના કાકાનાં કુટુંબીજનોને અંદરોઅંદર કંઈક મનદુઃખને કારણે તેમણે સ્મિત અને તેના પરિવારને અમારા ઘરે આવવું નહીં અને તમારા અમારા કોઈ સંબંધ નથી એમ જણાવ્યું હતું. એનું લાગી આવતાં સ્મિતે આ બનાવને કરુણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. સ્મિતની હાલત વધુ ગંભીર હોવાથી તેને અલગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.