સુરત, તા.૦૮
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પણ પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પહોંચી ચૂક્યું છે. સુરત એપીએમસીમાં હરાજી માટે લાવવામાં આવેલું ૨૧૫૦ કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયુ હતું. હાલ લસણના ભાવ આસમાને હોવાથી અને ચાઇનીઝ લસણ સસ્તું મળતું હોવાથી કેટલાક વેપારીઓ એ લાવી અહીં વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે.
સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે. સુરત એપીએમસીમાં વેચાણ અર્થે મૂકવામાં આવેલા લસણ પર સ્ટાફની નજર પડી હતી. એપીએમસીના સ્ટાફને શંકા જતાં તેમણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કરતાં ચાઈનીઝ લસણ હોવાનું માલૂમ પડતાં તમામે તમામ ૪૩ ગૂણી ૨૧૫૦ કિલો જપ્ત કરી લીધી હતી, જેની અંદાજિત કિંમત ૧૦ લાખ રૂપિયા થાય છે.
શાકભાજી માર્કેટમાં લસણના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે. લસણનો ભાવ આ વર્ષે ૪૦૦થી ૫૦૦ રૂપિયાની આસપાસ રહેતાં ગુજરાતના માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણની એન્ટ્રી થઈ છે. હવે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપાયું છે. આ લસણ જપ્ત કરી એપીએમસીના સત્તાધીશોએ જવાબદાર અધિકારીને જાણ કરી દીધી હતી. ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવતું લસણ સ્થાનિક લસણ કરતાં સસ્તું મળી રહ્યું છે, તેથી નફો કમાવાની લાલચે કેટલાક લોકો ચાઈનીઝ લસણ ભારત લાવી રહ્યા છે તેમજ રાજ્યના અલગ અલગ એપીએમસીમાં એનું વેચાણ કરી રહ્યા છે.
એપીએમસીના ડિરેક્ટર રાજાબાબુ શેખે જણાવ્યું હતું કે ૨૦૧૭થી ચીનનું લસણ આપણા દેશમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ચાઇનીઝ લસણ આરોગ્ય માટે નુકસાનકારક હોવાનું જણાય આવ્યું હોવાથી સરકારે એને પ્રતિબંધિત કર્યું છે. પોર્ટ પરથી ચાઈનીઝ લસણ ગેરકાયદે રીતે પણ માર્કેટમાં વેચાણ કરવા માટે કેટલાક લોકો લઈ આવતા હોય છે. આપણા ધ્યાન પર આવતાંની સાથે જ ૨૧૫૦ કિલો ચાઈનીઝ લસણ, જેની અંદાજિત કિંમત ૧૦ લાખ રૂપિયા થવા જાય છે. એપીએમસી રજિસ્ટારને લસણ બાબતની ફરિયાદ આપી દીધી છે અને જે લસણ પકડાયું હતું એને પણ તાત્કાલિક નષ્ટ કરી દેવામાં આવ્યું છે.