સુરત, તા.૮
ઉત્તરાયણ તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ ચગાવવાના શોખીનો દોરી અને પતંગની ખરીદીમાં લાગી ગયા છે. જ્યારે મકર સંક્રાંતિમાં ચાઈનીઝ દોરી ઝડપાયાના અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વખતે ચાઈનીઝ દોરીના કારણે લોકોના ગળા કપાતા મોત અને પક્ષીઓના મોતના બનાવો સામે આવે છે. આ દરમિયાન ચાઈનીઝ સહિતની જાેખમી દોરી અને તુક્કલ પર રોક લગાવાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ દ્વારા આ મામલે રાજ્ય સરકારને ટકોર કરીને જાહેર જગ્યાએ રંગવામાં આવતી દોરીની તપાસ કરવાના સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં ચાઈનીઝ દોરીના કારણે ઘણા લોકોના ગળા કપાયા હોવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડાના લીલટછા ગામે બે દિવસ એક યુવકનું ચાઈનીઝ દોરીના કારણે ગળું કપાયું હતું. જાે કે, તેને વહેલીતકે સારવાર આપતા યુવકનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા વિરુદ્ધા કાયદેસરની કાર્યવાહી કરીને રૂ.૫૦૦૦નો દંડ ફટકારવામાં આવશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.
રાજ્યમાં છાનીછૂપી રીતે કેટલાક શખસો દ્વારા ચાઈનીઝ દોરી અને આકાશી તુક્કલનું વેચાણ કરતા હોય છે. જેના કારણે અનેક લોકોના જીવ જાેખમમાં મુકાય છે. જ્યારે તુક્કલના કારણે આગ લાગવા જેવી ઘટના સર્જાય છે. જેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં સૂચના આપી છે.