મુંબઈ, તા.૧૭
મુંબઈના એક સેલિબ્રિટીના ઘરમાં ઘૂસવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. થોડા દિવસો પહેલા અભિનેતા શાહરૂખ ખાનના ઘરમાં પણ ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૨-૩ દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ શાહરૂખના મન્નત બંગલામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, દિવાલ ચઢવા છતાં, જાળીના કારણે તે બંગલામાં પ્રવેશવામાં નિષ્ફળ ગયો. શાહરૂખના ઘરમાં પ્રવેશવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. પોલીસને શંકા છે કે સૈફ અલી ખાન પર હુમલો કરનાર અને શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસનાર વ્યક્તિ એક જ વ્યક્તિ હોઈ શકે છે. ૧૪ જાન્યુઆરીએ કોઈ અજાણ્યા વ્યક્તિએ શાહરૂખ ખાનના ઘરની રેકી કરી હતી. રીટ્રીટ હાઉસના પાછળના ભાગમાં ૬ થી ૮ ફૂટ લાંબી લોખંડની સીડી મૂકીને શાહરૂખ ખાનના ઘર મન્નતની અંદર જાેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પોલીસને શંકા છે કે શાહરૂખ ખાનના ઘરે રેકી કરનાર વ્યક્તિ એ જ વ્યક્તિ છે જેણે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. કારણ કે પોલીસે શાહરૂખ ખાનના ઘરની નજીક સીસીટીવી ફૂટેજ ચેક કરી લીધા છે. આ ફૂટેજમાં દેખાતી વ્યક્તિની ઊંચાઈ અને શરીરની રચના સીસીટીવી ફૂટેજમાં દેખાતી વ્યક્તિ સાથે મેળ ખાય છે, જે પોલીસે સૈફ અલી ખાનના મકાનની સીડી પર જાેવા મળ્યો હતો.
એટલું જ નહીં, સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પોલીસને શંકા છે કે તે વ્યક્તિ એકલો ન હોઈ શકે. કારણ કે રેકી કરવા માટે વપરાતી લોખંડની સીડી એકલા વ્યક્તિ માટે ઉપાડવી શક્ય નહોતી. તેને ઉપાડવા માટે ઓછામાં ઓછા બે થી ત્રણ લોકોની જરૂર પડશે. ૧૫ જાન્યુઆરીએ મોડી રાત્રે સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ, પોલીસની એક ટીમ ફરીથી શાહરૂખ ખાનના ઘરે ગઈ. આ ટીમ આ મામલાની તપાસ કરી રહી હતી.
જાેકે, શાહરૂખ ખાન દ્વારા આ અંગે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. પરંતુ પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને તેની તપાસ કરી રહી છે. ઉપયોગમાં લેવાયેલી સીડીની ચોરીનો કોઈ રિપોર્ટ ક્યાંય દાખલ થયો છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
