સુરત, તા.૩૦
સુરત શહેરના શહેરીજનો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટ્સએપ ચેટબોટ સેવા શરૂ કરવામાં આવી છે. જે સુરતવાસીઓને પેપરલેસ અને ઝડપી સેવાઓ પૂરી પાડશે. આ નવી ટેકનોલોજી દ્વારા નાગરિકો માત્ર ગણતરીની સેકન્ડમાં તેમની ફરિયાદ નોંધાવી શકશે અને તેમની ફરિયાદના ઉકેલની પ્રોસેસ કેટલે પહોંચી તે પણ ટ્રેક કરી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા ૬૩૫૯૯-૩૦૦૨૦ નંબર પર શહેરીજનો પોતાની ફરિયાદ, બિલ સંબંધિત વિગતો અને અન્ય નાગરિક સુવિધાઓની માહિતી મેળવી શકશે. વોટ્સએપ દ્વારા ઓટોમેટિક સિસ્ટમ કાર્યરત હશે. જેના કારણે નાગરિકોની ફરિયાદો ઝડપથી સંબંધિત અધિકારીઓ સુધી પહોંચશે અને ઝડપી ઉકેલ પણ મળશે. ફરિયાદ નોંધણી અને સ્ટેટસ શહેરીજનો તેમની ફરિયાદો ફોટોગ્રાફ્સ સાથે મોકલી શકે છે. વોટ્સએપ દ્વારા ફરિયાદ સીધા જવાબદાર અધિકારી સુધી પહોંચશે. નાગરિકો પોતાની ફરિયાદનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકશે.
પ્રોપર્ટી ટેક્સ અને વોટર મીટર બિલ નાગરિકો પોતાના પ્રોપર્ટી ટેક્સ, વોટર મીટર બિલ અને બાકી રકમની વિગતો વોટ્સએપ મારફતે મેળવી શકશે. શહેરીજનો માટે સુવિધાઓ શહેરી આરોગ્ય કેન્દ્રો, નાગરિક કેન્દ્રો, ફાયર સ્ટેશન, લાઇબ્રેરી, સ્વિમિંગ પૂલ, વાંચન રૂમ, સમુદાય હોલ, પાર્ટી પ્લોટ વગેરેની માહિતી વોટ્સએપ મારફતે ઉપલબ્ધ રહેશે. વહીવટી વિભાગોની માહિતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ અધિકારીઓ અને વિભાગોની સંપર્ક વિગતો પણ વોટ્સએપ ચેટબોટ દ્વારા મળશે.
સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, વોટ્સએપ ચેટબોટ દ્વારા ટુ-વે કોમ્યુનિકેશન સુવિધા ઉપલબ્ધ થશે. લોકોના રજિસ્ટર નંબર પર તેમને પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ અને અન્ય બિલોની માહિતી મળી રહેશે. શહેરીજનો આ નંબર પર ફરિયાદો અને ફોટોગ્રાફ્સ મોકલી શકે છે. જે સીધા સંબંધિત અધિકારીઓ સુધી પહોંચશે અને નાગરિકો પોતાની ફરિયાદના નિકાલને ટ્રેક પણ કરી શકશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની તમામ નવી યોજનાઓ અને સેવાઓ અંગે માહિતી પણ વોટ્સએપ મારફતે મોકલશે. આ નવી સુવિધા ડિજિટલ ગવર્નન્સ તરફનું એક મહત્ત્વનું પગલું છે. જેનાથી પાલિકા અને શહેરીજનો વચ્ચે સીધો સંપર્ક રહેશે.
સુરત મહાનગરપાલિકા તબક્કાવાર ડિજિટલ ગવર્નન્સ તરફ આગળ વધી રહી છે અને પેપરલેસ વહીવટ કરવા માટે કવાયત કરી રહી છે. SMCના ડ્રાફ્ટ બજેટમાં વોટ્સએપ ઓટોમેટેડ ફરિયાદ નોંધણીની વાત કરવામાં આવી હતી અને તે હવે બજેટ જાહેર થાય તે પગેલાં જ અમલમાં આવી ચૂકી છે. કોઇ મેન્યુઅલ પ્રોસેસ વિના સીધા જવાબદાર વિભાગ સુધી ફરિયાદ પહોંચશે. ૧૦૦ ટકા ઓટોમેટેડ સિસ્ટમ છે. ગણતરીની મિનિટોમાં ફરિયાદનું રજિસ્ટ્રેશન અને સ્ટેટસ ઉપલબ્ધ રહશે. શહેરીજનો ક્યારે પણ તેમના પ્રશ્નો અને ફરિયાદ માટે ઉપયોગ કરી શકે છે. સંપૂર્ણપણે પેપરલેસ છે. તમામ સેવાઓ વોટ્સએપ મારફતે ઉપલબ્ધ રહેશે.
