(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૪
આજ રોજ ગુજરાત સરકારે યુસીસી લાગુ કરવાની એકતરફી તૈયારીના ભાગરૂપે મુખ્યમંત્રી દ્વારા જે ડ્રાફટીંગ કમીટીની જાહેરાત કરવામાં આવી છે તેમાં આશ્ચર્યજનક રીતે તમામ ધર્મ અને જાતિના પ્રતિનિધીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગુજરાત સરકારે સુરંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતીની રચના કરી છે જે માત્ર ૪૫ દિવસમાં સંશોધન, અભ્યાસ અને ચર્ચા વિચારણા પછી પોતાનો રિપોર્ટ રજૂ કરી યુસીસી લાગુ કરવાની ભલામણ કરશે.
ગેરબંધારણીય રીતે ગુજરાત સરકારે કાયદાના તજજ્ઞો, પ્રબુદ્ધ નાગરિકો સાથે પરામર્શ કર્યા વિના એકતરફી જાહેરાત કરી છે તેનાથી સરકારની નિયત પર પ્રશ્નાર્થ ઉભો થાય છે કે રાજય સરકાર કટ્ટરવાદી વિચારધારાને પ્રોત્સાહિત કરવા હિન્દુ મુસ્લિમ કાર્ડ દ્વારા ધ્રુવીકરણની રાજનિતી કરી રહી છે. યુસીસી દ્વારા માત્ર મુસ્લિમ સમાજ પર નિશાન સાધવાની પ્રતિતી થાય છે.
મહાન ભારત દેશના બંધારણે ધર્મ જાતિના ભેદભાવ વિના વિવિધ ધર્મના નાગરિકોને પોતાની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવાનો અધિકાર પ્રદાન કરેલ છે જ્યારે યુસીસી કાયદો દેશના બંધારણ તથા એકતા – અખંડિતતાને હાનિકારક છે. મુસ્લિમ પર્સનલ લોએ ઈસ્લામનું અભિન્ન અંગ છે ત્યારે યુસીસી કાયદો ગેરસંવૈધાનિક અને નાગરિકોના મૂળભૂત અધિકારો પર તરાપ મારવા સમાન છે. દેશના બંધારણે મુસ્લિમો સહિત દેશના તમામ ૧૪૦ કરોડ નાગરિકોને સ્વતંત્ર રીતે ધર્મ પાળવાની, ધાર્મિક માન્યતાઓ અને સિદ્ધાંતોનું પાલન કરવાનો સંપૂર્ણ અધિકાર આપેલ છે. દેશના મુસ્લિમ સમાજને પણ શરિયત એપ્લીકેશન એક્ટ ૧૯૩૭ દ્વારા પોતાની ધાર્મિક માન્યતાઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.
યુસીસી લાગુ કરતા પહેલા બંધારણની કલમ ૨૫ થી કલમ ૨૮ ને નાબૂદ કરવી પડે. માત્ર કેન્દ્ર સરકાર બંધારણના કોઈપણ આર્ટીકલમાં ફેરફાર કરવાની વિચારણા કરી શકે પરંતુ કોઈપણ રાજ્ય સરકારને આર્ટીકલમાં ફેરફાર કરવાનો અધિકાર પ્રાપ્ય નથી, માટે રાજય સરકાર સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો ગેરસંવૈધાનિક રીતે ર્નિણય લઈ શકે નહી.
ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સહિત અન્ય મુખ્ય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ આ કાયદાનો શરુઆતથી જ વિરોધ કરતા આવ્યા છે. દેશના મુસ્લિમો સહિત આદિવાસી, દલિત, શીખ, ખ્રિસ્તી, જૈન, બોદ્ધ સમુદાયો સહિત પૂર્વોત્તરના રાજયો યુસીસીને ક્યારેય પણ સ્વીકારશે નહી.
રાષ્ટ્રહિતને સર્વોપરી માનતા દેશના તમામ ધર્મ જાતિના પ્રબુદ્ધ નાગરિકો અને સંસ્થાઓએ એકજુટ થઈ વિચારવિમર્શ દ્વારા રાજય સરકારના યુસીસી લાગુ કરવાના ગેરબંધારણીય, અવિચારી અને અન્યાયી પગલાના વિરોધમાં સંવૈધાનિક અધિકારોની રક્ષા કાજે નામદાર હાઈકોર્ટથી લઈ સુપ્રિમ કોર્ટ સુધી કાનૂની લડાઈ લડવા આગળ આવવું અનિવાર્ય છે.
