સુરત,તા.૧૦
ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી. તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓેએ આ રીતે જાહેરમાં સીનસપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. કોઈ નેતા કે મંત્રીનો કાફલો પણ આવી રીતે ના નીકળે જેવી રીતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી. જાેકે, આ મામલે સુરતની પાલ પોલીસે ૧૨ જેટલી ગાડીઓ જપ્ત કરી છે. હાથમાં કોલ્ડ ગન, કારની વિન્ડો પર બેસીને સીન સપાટા કરતા વિદ્યાર્થીઓ સામે હવે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલા ફેરવેલ રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા, મર્સિડિઝ, બીએમડબ્લ્યુ જેવી ૩૦ જેટલી લક્ઝરી કાર લઈને નીકળ્યા હતા. વીઆઇપી વ્યક્તિઓના કાફલા જેવી રેલી કાઢી તેઓ ૧૦ કિમી દૂર આવેલી સ્કૂલે પહોંચ્યા હતા.
જાેકે, સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં કોઇ વિદ્યાર્થી રૂફટોપ પર ચઢ્યો તો કોઇ કારની વિન્ડોમાંથી બહાર નીકળી સ્ટંટ કરતા જાેવા મળ્યા હતા. એકસાથે રસ્તા પર ૩૦ જેટલી કાર દોડાવતા અન્ય વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફાઉન્ટેન હેડ સ્કૂલ નજીક વિદ્યાર્થીઓના ગાડીઓના કાફલા સાથેના વીડિયો વાઇરલ થયા બાદ, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી.
