સુરત, તા.૧૧
શહેરમાં નાણાકીય વર્ષ પૂર્ણ થવા માત્ર ગણતરીના દિવસો બાકી છે, છતાં સુરત મહાનગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ ધીમી ગતિએ આગળ વધી રહી છે. મહાનગરપાલિકાએ કુલ ૨૩૯૦ કરોડ રૂપિયા વેરાની વસૂલાતનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, પરંતુ હજી સુધી માત્ર ૫૯ ટકા, એટલે કે ૧૪૧૮ કરોડ રૂપિયા જ વસૂલ કરાયા છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં વસૂલાતનું સૌથી નબળું પ્રદર્શન જાેવા મળ્યું છે.
આકારણી વિભાગની કામગીરીમાં વધુ ગતિ લાવવા માટે સુરત મહાનગરપાલિકા ટેક્સ વસૂલાત માટે મહિલાઓની નિમણૂક કરી છે. મહિલાઓ હવે ઘર-ઘર જઈને પેન્ડિંગ ટેક્સ વસૂલવાની કામગીરી કરી રહી છે. આ અભિગમથી શહેરમાં વેરા વસૂલાતમાં વધારો થયો પણ છે, કારણ કે સામાન્ય નાગરિકો મહિલાઓ સાથે સહજતાથી વાતચીત કરી શકે છે. મહિલાઓની સંવેદનશીલતા અને વ્યવસ્થિત વ્યવહાર ટેક્સ વસૂલાતની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવે છે.
વોર્ડ નં. ૧૮ માટે પેટાચુંટણીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી લિંબાયત અને વરાછા-એ ઝોનમાં ટેક્સ વસૂલાત અસરગ્રસ્ત થઈ છે. વહીવટીતંત્ર ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી વસૂલાત ઝુંબેશ ધીમી પડી છે. ઘણા મિલકતદારો ટેક્સ ભરવામાં ધીલા છે અને છેલ્લી ઘડીએ ચૂકવણી કરે છે. ટેક્સ વસૂલાત ઝુંબેશ સઘન રીતે હાથ ધરવામાં મોડું કરવામાં આવ્યું છે.
મહિલાઓ વધુ સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે કામ કરે છે. નાગરિકો, ખાસ કરીને સિનિયર સિટિઝન્સ અને ઘરેલું મહિલાઓ, તેમને ટેક્સ બાબતે વધુ સરળતા અને સમજૂતીથી સહકાર આપે છે. મહિલાઓ હિંસા અને દબાણ વગર નાગરિકોને ટેક્સ ચૂકવવા માટે પ્રેરિત કરી શકે છે. વેરા વસૂલાત ઝુંબેશ વધુ સઘન બનાવાશે. મહિલા કર્મચારીઓની વધુ ભરતી અને પ્રશિક્ષણ આપવામાં આવશે.
વસૂલાત માટે નવી ટેક્નોલોજી અને ડિજિટલ પેમેન્ટ સુવિધાઓ વિકસાવવામાં આવશે. સુરત મહાનગરપાલિકા હવે મહિલાઓ દ્વારા ટેક્સ વસૂલાવશે, જે એક પ્રયોગાત્મક પગલું છે. ટેક્સ વસૂલાતમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ બનશે. જાે કે, હાલની ધીમી ગતિએ ૨૩૯૦ કરોડના લક્ષ્યાંક સુધી પહોંચવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. જાે આગામી દિવસોમાં વધુ સઘન ઝુંબેશ હાથ ધરવામાં નહીં આવે, તો નાણાંકીય સંકટ સર્જાઈ શકે છે.
