સુરત, તા.૧૧
કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન બે અલગ-અલગ યુવકો પાસેથી ચપ્પુ મળી આવ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને યુવકોની ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને અસામાજિક તત્વો પાસેથી ચપ્પુ મળ્યું હોવા છતાં પણ બંનેએ પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને અપશબ્દો બોલી પોલીસને જ કાયદો શીખવાડવા લાગ્યા હતા.
મળતી માહિતી મુજબ, આજરોજ (૧૧ ફેબ્રુઆરી) તમામ સરકારી કચેરીઓ બહાર પોલીસ દ્વારા હેલ્મેટને લઈને ચેકિંગ આધરવામાં આવ્યું હતું. જેના પગલે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ડીજીવીસીએલની કચેરીની બહાર ટ્રાફિક પોલીસ ચેકિંગ કરી રહી હતી. દરમિયાન બે યુવકોને અટકાવવામાં આવતા દાદાગીરી કરવા લાગ્યા હતા. જેથી પોલીસ દ્વારા તેમને પકડીને તપાસ હાથ ધરવામાં આવતા બંને પાસેથી રેમ્બો ટાઈપના ચપ્પુ મળી આવ્યા હતા. ચપ્પુ કબજે કરીને પોલીસે બંને અસામાજિક તત્વોને પકડી લીધા હતા. પોલીસ જ્યારે બંને યુવકો પાસેથી ચપ્પુ કાઢ્યા ત્યારે તેઓએ પોલીસ સાથે રોફ જમાવવાની કોશિશ કરી હતી. જાણે કે તેમને પોલીસનો કોઈ ખોફ જ ન હોય એવા દૃશ્યો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ સાથે દાદાગીરી કરવામાં આવી હતી અને આ સાથે જ અપશબ્દો બોલીને કાયદો શીખવાડવા લાગ્યા હતા. દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી કાપોદ્રા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલમાં કાપોદ્રા પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મળી આવેલા હથિયારો કબજે કર્યા છે. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના સુરતમાં અસામાજિક તત્વોના વધી રહેલા ત્રાસનો સંકેત આપે છે. પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહી જ આવા તત્વો પર અંકુશ લગાવી શકે છે.
