ગાંધીનગર, તા.૧૬
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે ૬૬ નગરપાલિકા, ૩ તાલુકા પંચાયત અને ૧ મહાનગરપાલિકા માટે કુલ ૫૦૮૪ ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થવાનું છે. લગભગ ૩૮ લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો ર્નિણય કરશે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ ૨૧૩ બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ૧૫ વોર્ડની ૬૦ બેઠકોમાંથી ૮ બેઠકો બિનહરિફ જાહેર છે. જાેકે રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી રહી છે. ધંધૂકા અને જામનગરમાં તો બે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.
રાજ્યમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં એક પ્રિસાઈડિંગ ઓફિસર ઇલેક્શન ડ્યુટીમાં જ દારૂ પીધેલ હાલતમાં પકડાયા છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પીધેલા ચૂંટણી અધિકારી વીરેન્દ્ર સુખાભાઈ બારિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેઓ મહેમદાવાદ પ્રાથમિક કન્યા શાળામાં ફરજ પર હતા.
પીધેલી હાલતમાં ફરજ બજાવતાં અધિકારીને તાત્કાલિક હટાવવામાં આવ્યા હતા. તેનાથી ચૂંટણી પ્રક્રિયામાં વિઘ્ન આવ્યો હતો. વળી, બારિયા રાસ્કા સરકારી પોલિટેક્નિક, ખેડા ખાતે લેક્ચરર તરીકે પણ ફરજ બજાવે છે. મહેમદાવાદ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અમરેલીના જાફરાબાદ શહેરમાં ધારાસભ્ય હીરા સોલંકી વોર્ડ નંબર ૬માં આવેલી તાલુકા શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પત્ની પણ હાજર હતા. તેમણે મતદારોને ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. જ્યારે વલસાડથી એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં વોર્ડ નંબર ૨માં ભાજપને વોટ આપતા દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે ભાજપની પેનલને વોટ આપતો વીડિયો વાઈરલ છે. જાેકે હજુ સુધી આ વીડિયોની પુષ્ટી થઇ શકી નથી.
રાજ્યમાં સ્થાનિક એકમોની ચૂંટણીમાં મતદારોનો ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે જેતપુરમાં ઈવીએમ ખોટકાયાની માહિતી સામે આવી છે. અહીં વોર્ડ નંબર ૫ અને ૮માં ઈવીએમ ખોટકાઈ જતાં મતદારોની લાંબી લાઈન સર્જાઈ હતી અને મતદાન અટવાઈ ગયું હતું.
બીજી બાજુ લુણાવાડામાં ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે મતદાન મથકે બોલાચાલીના દૃશ્યો જાેવા મળ્યો હતા. અહીં વોર્ડ નંબર ૪ પર બે એજન્ટો બાખડ્યા હતા. ગાંધીનગરમાં પણ સ્થાનિક એકમોની ચૂંટણી માટે તાલુકા પંચાયતની ૨૮ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જ્યાં ૨૨૪ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ૨૮૦ ઈવીએમ ફાળવાયા હતા.
મતદાનનો એવો ઉત્સાહ હતો કે ધંધૂકામાં એક વરરાજા લગ્ન પહેલા મતદાન કરવા પહોંચી ગયા હતા. જ્યારે બોટાદમાં પણ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ વાજતે-ગાજતે મતદાન કરવા આવ્યા હતા. જ્યારે જામનગરમાં પણ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા.
ખેડામાં સ્થાનિક એકમની ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના જાેવા મળી. વોર્ડ નંબર ૫ પર પ્રિસાઈડિંગ ઓફિસર દારૂ પીને ડ્યુટી કરવા પહોંચ્યા હતા. માહિતી અનુસાર દ્વારકાના સલાયામાં વોર્ડ નંબર ૨માં કલાકો સુધી ઈવીએમ ખોટકાતાં મતદારો રઝળી પડ્યા હતા. અમદાવાદમાં ઘાટલોડિયામાં પેટાચૂંટણીનો માહોલ જામ્યો હતો. અહીં એએમસી ડેપ્યુટી મેયર જતિન પટેલે મતદાન કર્યું હતું. તેમણે આ દરમિયાન કહ્યું કે ઉત્સાહથી મતદાન કરવું એ ઘાટલોડિયાની તાસીર છે.
