પટણા, તા.૧૬
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં ૧૮ લોકોના મોત પર જેડીયુના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે શોક વ્યક્ત કર્યો છે. તેમજ ઘટના અંગે રેલવે તંત્રને અને રેલવે મંત્રીને જવાબદારી લેવા અપીલ કરી છે. વધુમાં મહાકુંભના લીધે થઈ રહેલી નાસભાગ અંગેના સવાલ પર લાલુ યાદવે કહ્યું કે, કુંભનો કોઈ અર્થ નથી, નકામો છે…કુંભ…કુંભ…કુંભનો કોઈ મતલબ નથી, બધુ વ્યર્થ છે.
પ્રયાગરાજ ત્રિવેણીમાં અત્યારસુધીમાં ૫૦ કરોડથી વધુ લોકોને પવિત્ર કુંભમાં સ્નાન કર્યું છે. અત્યારસુધીમાં લાખો-કરોડો ભક્તો કુંભ સ્નાન કરી રહ્યા છે. દેશના સામાન્ય લોકોથી લઈને ખાસ વ્યક્તિઓ સુધી દરેક જણ કુંભ સ્નાન કરવા માટે આતુર છે. પરંતુ, વિપક્ષ નેતા લાલુ યાદવના કુંભ સ્નાન પરના નિવેદને રાજકારણમાં ખળભળાટ મચાવી શકે છે. કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક મહાકુંભની નિંદા તેમને ભારે પડી શકે છે. ઉલ્લેખનીય છે, લાલુ યાદવ અને તેમનો પરિવાર પણ ખૂબ જ ધાર્મિક છે, પરંતુ કુંભ સ્નાનને લઈને તેમનું આ નિવેદન એક નવા વિવાદને જન્મ આપી શકે છે. કુંભ પર લાલુ યાદવના નિવેદન પર જેડીયુ એ તેમને રાજનીતિ ન કરવાની સલાહ આપી છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને કહ્યું છે કે રાજનીતિને બદલે આપણે એ વાત કરવી જાેઈએ કે આપણે કેવી રીતે ઘાયલોને અને મૃતકોના પરિવારોને મદદ કરી શકીએ અને રાજકારણ ન કરીએ. તેમણે કહ્યું કે જનતા દળ યુનાઈટેડ એવા પરિવારોની સાથે છે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેડીયુના પ્રવક્તાએ કહ્યું કે રેલ્વે મંત્રાલય અને ભારત સરકાર પીડિતોને તમામ સંભવિત મદદ કરવા તૈયાર છે.
