સુરત, તા.૧૬
સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર ૧૮ની બેઠક ઉપર આજે (૧૬ ફેબ્રુઆરી) મતદાન યોજાયું છે. સવારથી જ મતદારો પોતાના મતદાન મથક ઉપર જઈને મતદાન કરી રહ્યા છે. વધુમાં વધુ મતદાન કરાવવાના પ્રયાસમાં કેટલીક આચારસહિતા ભંગની બાબતો ધ્યાન પર આવી છે. જેમાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા જાેવા મળ્યાં હતાં. આ સાથે જ ક્યાંક ભાજપના બેનર લાગતાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. આ વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે ગરમાગરમી થતાં પોલીસે સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
વોર્ડ નંબર-૧૮માં પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આચારસંહિતા ભંગ થતાં સુરત એનએસયુઆઇ ના કાર્યકરોએ પોલીસ સાથે રાખી બોર્ડ બેનર અને ખેસ પહેરીને ફરતાં લોકો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. કોર્પોરેશન ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના બુથ એજન્ટો ચૂંટણી બુથમાં ચૂંટણી ચિન્હનો પ્રચાર કરતા ઝડપાયા.
આજે પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષને મત મળે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જાેકે, કેટલાક વિસ્તારોમાં આચારસંહિતા ભંગ થતી હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. સુડા આવાસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા હોવાનું જાેવા મળ્યા તો કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના બેનર પણ લાગ્યા હતા. એટલું જ નહીં, પરંતુ આજે કેટલાક કાર્યકર્તાઓના હાથમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વાળી સ્લીપ પણ વેચવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું હતું. પુણા વિસ્તારમાં વિક્રમનગર ત્રણ સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીનું બેનર લાગતા આમ આદમી પાર્ટી દ્વારા સોસાયટીમાં જઈને બેનર ઉતારડાવ્યું હતું. તો સુડા આવાસમાં કોંગ્રેસના ઉમેદવાર પણ પહોંચી ગયા હતા.
મતદાનને લઈને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ આચારસંહિતા ભંગ ન થાય તેના માટેના પ્રયાસો રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવતા હોય છે. પરંતુ આચારસંહિતા લાગું હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ જાહેરમાં પ્રચાર કરતાં દેખાયા હતાં. એટલું જ નહીં, પરંતુ બુથ ઉપર બેસીને ખેંચ પહેરેલા જાેવા મળ્યા હતા. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદારોને આકર્ષવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી મહાનગરપાલિકાના વિપક્ષના નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સવારથી જ અલગ-અલગ વિસ્તારોમાં રાજકીય ચકમક જાેવા મળી હતી.
