સિટી ટુડે અમદાવાદ:૧૭
તા. ૧૭ માર્ચ ૨૦૨૫ ને સોમવારના રોજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખે યુસીસીના અધ્યક્ષ સુશ્રી રંજનાબેન દેસાઈને પત્ર લખી સમાન સિવિલ કોડ બાબતે યુસીસી કમીટીએ ગુજરાતની જનતા પાસે માંગેલ અભિપ્રાય બાબતે રમઝાન માસને કારણે મુદતમાં એક માસનો વધારો કરી આપવા સારુ માંગણી કરી હતી.
બંને ધારાસભ્યો પત્રમાં રજૂઆત કરી હતી કે આપશ્રીની અધ્યક્ષતામાં યુસીસી કમિટી દ્વારા ગુજરાત રાજ્યની જનતા પાસેથી અપેક્ષિત સમાન સિવીલ કોડ બનાવવા બાબતે અભિપ્રાય -સૂચનો -મંતવ્યો માંગવા માટે તા. ૨૪ માર્ચ ૨૦૨૫ સુધીનો સમય આપવામાં આવેલ છે. જેમાં આપે સૂચવેલ ત્રણ પ્રકારે પોતાના સૂચનો મોકલવાના છે.
અમારી આપશ્રીને નમ્ર અરજ અને વિનંતી છે કે ગુજરાતમાં કોમન સીવીલ કોડ (યુસીસી) સમાન નાગરિક ધારો સામાન્ય જનતા માટે પેચીદો મુદ્દો છે. તદ્દઉપરાંત હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ પણ ચાલતો હોઈ મુસ્લિમો રોજા રાખવામાં તેમજ ઈબાદત માં વધુ સમય ગાળતા હોઈ મુસ્લિમ સમાજ રમઝાન માસની વ્યસ્તતા ને કારણે પોતાના અભિપ્રાય આપી શક્યો નથી.
અમારી આપશ્રી સમક્ષ એટલી જ નમ્ર વિનંતી છે કે યુસીસી અંતર્ગત માંગવામાં આવેલ અભિપ્રાય માટે ૨૪ માર્ચ ૨૦૨૫ નો સમય આપેલ છે તેની અવધિમાં એક માસનો વધારો કરવામાં આવે એટલે કે તા. ૨જી એપ્રિલ ૨૦૨૫ ના રોજ ઈદુલ ફિત્રનો તહેવાર છે તેના એક માસની અંદર અંદાજે તા. ૩૦ એપ્રિલ ૨૦૨૫ સુધી તેની મુદત વધારવામાં આવે જેથી મુસ્લિમ સમાજ ઈદના તહેવારથી પરવારી વધુ સમય ફાળવી પોતાના મંતવ્યો યુસીસી કમિટી સમક્ષ રજૂ કરી શકે.
અમોને આશા છે કે આપ શ્રી અમારી આ વ્યાજબી રજૂઆતને માન્ય રાખી વધુ એક માસ સુધીનો સમય આપશો એ જ વિશ્વાસ સાથે..
ઈમરાન ખેડાવાલા ધારાસભ્યશ્રી
ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્યશ્રી