સુરત, તા.૦૯
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા કાકરીચાળો કરવામાં આવ્યો હતો. આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. તથા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આજ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો.
આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હોવાન માહિતી મળી રહી છે. પથ્થરમારો કરવા મામલે બે લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં છે. જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોના મકાનોમાં જઈને પૂછપરછ કરી રહી છે.
આ ઘટનામાં લોકો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની છે. જેમાં બે રિક્ષા અને ત્રણ બાઈકમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વોએ ઘટનાસ્થળે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય કાંતી બલર દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાેકે તેમને પણ ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા થવાનું જાણવા મળ્યું છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૭ લોકોની અટકાયત કરવામાં આવી છે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર મારવાનો બીજાે ઘટના સ્થળ ઉપર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો આમ કુલ અત્યાર સુધીમાં ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે હજી પણ અલગ અલગ બાબતોની પ્રક્રિયા ચાલી રહી છે.