સુરત,તા.૨૧
ગોપીપુરા વિસ્તારમાં જૈન સમાજની લાગણી દુભાઇ તે રીતે એક પ્રસંગ સમયે મુસ્લિમ સમુદાય દ્વારા જૈન ઉપાશ્રયોની સામે જ માંસાહારી રસોઇ બનાવતા જૈન સમાજ દ્વારા મુસ્લિમ સમાજનાં લોકોને ઉપાશ્રયોથી દૂર રસોઇ કરવા જણાવાયું હતું.વીએચપીને પણ આ અંગે જાણકારી મળતા તેમણે સ્થળ ઉપર પહોંચી અઠવાલાઇન્સ પોલીસને બોલાવી હતી. જ્યાં બંને પક્ષો વચ્ચે વાત-ચીત બાદ શાંતિ સ્થપાય હતી. આવી ઘટના બીજી વખત ન બને તે માટે સ્થાનિક લોકોને પોલીસ દ્વારા સમજણ આપવામાં આવી હતી અને તકેદારી રાખવા જણાવાયું હતું.
ગોપીપુરામાં જૈન દેરાસર અને ઉપાશ્રયો મોટી સંખ્યામાં આવેલા છે. જૈન સમુદાયના લોકો હજી પણ તળ સુરત ગણાતા ગોપીપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. શાંતિપ્રિય જૈન સમાજ દરેક બાબતમાં સાત્વિક્તા જાળવવા સાથે નિરઉપદ્રવી હોય તાજેતરમાં જ ગોપીપુરામાં જૈન સમુદાયની લાગણીને ઠેસ પહોંચે તેમ ઉપાશ્રય પાસે જ મુસ્લિમ સમાજના એક પ્રસંગે નોનવેજ ભોજન બનાવાયું હતું. જેની જાણ વીએચપીને થતા તેમણે સ્થળ ઉપર પહોંચી પોલીસને બોલાવી હતી. જ્યાં નોનવેજ ભોજન બનાવનાર પરિવાર અને સમાજનાં લોકોને પોલીસે સમજાવી ફરી વખત આવું ન બને તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.