સુરત, તા.૦૭
સુરત શહેરમાં ખુલ્લી અને અસુરક્ષિત ગટરો મોતના કૂવામાં ફેરવાઈ છે. છેલ્લા ચાર મહિનામાં જ ત્રણ માસૂમ બાળકને આ ખુલ્લી ગટરોને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. થોડા મહિના પહેલાં ૪ વર્ષની ભાગ્યશ્રી ગટરની ડ્રેનેજની કામગીરીનો ભોગ બની હતી અને હવે ૨ વર્ષનો કેદાર પણ એ જ બેદરકારીનો ભોગ બન્યો. એવામાં સવાલ એ ઊઠે છે કે તંત્ર ક્યારે જાગશે? શું હંમેશાં કોઈ નિર્દોષનો જીવ જશે પછી જ કાર્યવાહી થશે? સુરતનાં નિર્દોષ બાળકો માટે આ ગટરો જીવલેણ સાબિત થઈ રહી છે, પણ જવાબદારો હજુ નિષ્ક્રિય છે. ૬ ફેબ્રુઆરીના રોજ છાપરાભાઠા, અમરોલી વિસ્તારમાં હેવન એન્ક્લેવ નજીક ખુલ્લી ગટરમાં બે વર્ષીય કેદાર વેગડા તણાઈ ગયો. તેની માતા વૈશાલીબેનની આંખ સામે આ દુર્ઘટના બની અને પરિવાર સાથે સ્થાનિક લોકો, ફાયરબ્રિગેડ અને એનડીઆરએફ ની ટીમે લગભગ ૨૪ કલાક સુધી શોધખોળ કરી. અંતે, કેદારનો મૃતદેહ વરિયાવ ટી-પોઈન્ટ પાસેના પમ્પિંગ સ્ટેશનમાં મળ્યો. પરિવારે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારતાં આખરે પોલીસે ગટર વિભાગના જવાબદાર અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે, જાેકે તંત્રની બેદરકારી સામે ન્યાય માટે પરિવાર લડવાની તૈયારીમાં છે.
ડિંડોલી વિસ્તારમાં ચેતનનગરમાં બે મહિના પહેલાં ડ્રેનેજલાઇનનું કામ ચાલી રહ્યું હતું. કામ દરમિયાન વજનદાર રિંગ રોડ પર મૂકી દેવાયા હતા. નજીકમાં રમતી પાંચ વર્ષીય ભાગ્યશ્રી રમતાં-રમતાં આ વજનદાર રિંગ નીચે આવી ગઈ અને તેનું મોત નીપજ્યું. પીડિત પરિવાર આજે પણ ન્યાયની અપેક્ષામાં છે, પણ તંત્રની બેદરકારી ચાલુ જ છે. ૨૭ નવેમ્બરના રોજ ચાર વર્ષની ભાગ્યશ્રીના મોત મામલે પોલીસ સ્ટેશનમાં અત્યારસુધી કોઈ જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ નથી. બાળકી તરફથી નિઃશુલ્ક કેસ સંભાળી રહેલા વકીલ વિલાસ પાટીલે જણાવ્યું હતું કે ફરિયાદી દીક્ષાબેન જયેશ દોઢીશ તરફથી ડોલી પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી, જેને હવે ત્રણ મહિના થઈ ગયા છે. અરજી દિનેશ પરમાર (કોન્ટ્રેક્ટર), કાર્યપાલક એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર અને તમામ ડ્રેનેજ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવી હતી. ૫૦થી વધુ વખત પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા છતાં અત્યારસુધી જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ નથી.
નવેમ્બર ૨૦૨૪ માં, સચિનના તલંગપુર વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારનું બે વર્ષીય માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું. આ ગટરમાં કેમિકલયુક્ત ઝેરી પાણી ભરાયું હતું અને એમાં ડૂબી જતાં બાળકનું કરુણ મૃત્યુ થયું. સુરતના તલંગપુર ગામમાં આવેલા રાજપૂત ફળિયા પાસે તેજસ ચૌહાણની ચાલમાં મનોજ ગોડે તેના પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં તેની પત્ની અને એકનો એક બે વર્ષીય દીકરો શુભમ હતો. તે સચિન જીઆઈડીસીમાં આવેલા સંચાખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુભમ ઘર પાસે ગટરલાઈન નજીક રમી રહ્યો હતો ત્યારે રમત રમતમાં અચાનક ગટરમાં ખાબક્યો હતો.
આ તાજેતરના ત્રણ બનાવ માત્ર અકસ્માત નહિ, પણ તંત્રની નિષ્ફળતાના જીવતા પુરાવા છે. શહેરમા અનેક જગ્યાએ ગટર ખુલ્લી છે, ઢાંકણ તૂટેલાં છે અને લોકો વારંવાર ફરિયાદો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ બેદરકારીનો ભોગ અત્યારસુધી ત્રણ માસૂમ બાળકો બની ચૂક્યાં છે અને જાે તંત્ર જાગશે નહીં તો કંઈક વધુ ભયાનક બનવાની શકયતા છે.
દરેક ઘટનાને તંત્ર ‘દુર્ઘટના’ કહીને પછાડી દે છે અને પછી ફકત થોડી કાર્યવાહી કરીને ભૂલી જાય છે, પરંતુ જાે આ ગટરો સુરક્ષિત હોત તો આજે આ ત્રણ બાળક જીવિત હોત. તંત્ર આ ગંભીર મુદ્દા પર ક્યારે સંજાેગશીલ બનશે? જ્યારે વધુ નિર્દોષ જીવ ગુમાશે ત્યારે?
