અમદાવાદ, તા.૨૩
ગુજરાત એટીએસ એ એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે જાેડાયેલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એક દિલ્હીમાંથી અને એક નોઈડા (ઉત્તર પ્રદેશ) માંથી ધરપકડ કરવામાં આવી છે. આ બધા આતંકવાદીઓ અલ કાયદાના અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ સૈફુલ્લાહ કુરેશી મોહમ્મદ ફરદીન અને મોહમ્મદ ફૈક તરીકે થઈ છે.
ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા ચાર આતંકવાદીઓ વિશે ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. એટીએસના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓની ઉંમર ૨૦ થી ૨૫ વર્ષની વચ્ચે છે અને તેઓ ભારતમાં મોટા પાયે આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હતા. ગુજરાત એટીએસનું કહેવું છે કે આ આતંકવાદીઓને કેટલાક ચોક્કસ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી. આ ચારેય આતંકવાદીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જાેડાયેલા હતા અને તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેઓ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં પણ હતા.
