સુરત, તા.૧૯
શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને ભોળા નાગરિકોને છેતરતી દુબઈથી સંચાલિત આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. આ ગેંગે બેંક ખાતાઓ અને આંગડિયા મારફતે ૧૪૦૦ કરોડથી વધુનું અધધધ કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડેનિસ ધાનક, જયસુખ પટોળિયા, યશકુમાર પટોળિયા અને હાલમાં ઝડપાયેલ અજય ઉર્ફે ગોપાલ ભીંડીનો સમાવેશ થાય છે. આ ગેંગ વિરુદ્ધ ભારતના ૨૩ રાજ્યોમાં કુલ ૧૭૧ ફરિયાદો નોંધાઈ છે, જે આ કૌભાંડની વ્યાપકતા દર્શાવે છે. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં આંતરરાષ્ટ્રીય ગેંગની મોડસ ઓપરેન્ડીનો ઘટસ્ફોટ થયો છે. આ ગેંગ મુખ્યત્વે નીચે મુજબની રીતે લોકોને પોતાની જાળમાં ફસાવતી હતી
આરોપીઓ સૌપ્રથમ ઇનોવેટીવ ટ્રેડ” અને “Sky Growth Wealth Management”જેવી ડમી કંપનીઓ ઉભી કરતા હતા. આ કંપનીઓ પાસે કોઈ પણ પ્રકારના માન્ય લાયસન્સ વગર રોકાણ સંબંધિત ગતિવિધિઓ ચલાવવામાં આવતી હતી. ભોગ બનનાર લોકોને શેરબજારમાં રોકાણ કરવા પર ખૂબ ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી. તેમને કહેવામાં આવતું હતું કે, તેમના નાણાંનું રોકાણ કરીને ટૂંકા ગાળામાં જ કરોડો રૂપિયા કમાવી શકશે. એકવાર ભોગ બનનાર ફસાઈ જાય, પછી તેમની પાસેથી બેંક ખાતાઓ દ્વારા અથવા “આંગડિયા” મારફતે પૈસા મેળવવામાં આવતા હતા. આંગડિયાનો ઉપયોગ ખાસ કરીને મોટા વ્યવહારો માટે થતો હતો અને તેના દ્વારા અત્યાર સુધીમાં આશરે ૧૦૦ કરોડના વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે.
કેટલાક કિસ્સાઓમાં, લોકોને સ્ન્સ્ સ્કીમમાં રોકાણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવતા હતા, જેના દ્વારા વધુ લોકોને આ જાળમાં ફસાવી શકાય. આ સમગ્ર નેટવર્કનું સંચાલન દુબઈ ખાતેથી થતું હતું. દીપેન ધાલક અને નવીનચંદ્ર ધાલક નામના મુખ્ય સૂત્રધારો દુબઈથી આ કૌભાંડને હેન્ડલ કરતા હતા અને તેમના ઇશારે ભારતમાં નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હતા. મેળવેલા પૈસાને વિવિધ ખોટા કંપનીઓ અને ડમી ખાતાઓ દ્વારા ફેરવવામાં આવતા હતા, જેથી નાણાકીય ટ્રેલને છુપાવી શકાય. શરૂઆતમાં ૨૩૫ કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા, જે તપાસ દરમિયાન ૧૪૦૦ કરોડથી વધુ થઈ ગયા છે. આ દર્શાવે છે કે આ ગેંગે કેટલા મોટા પાયે છેતરપિંડી આચરી છે.
અજય ઉર્ફે ગોપાલ રાજેશભાઇ રશીકભાઇ ભિંડી (ઉ.વ. ૩૧, જામનગર) આ આરોપી હાલમાં જ પકડાયો છે અને તેના ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તે અગાઉ પકડાયેલા આરોપી ડેનિસનો સાળો છે અને તેની સાથે જામનગરમાં લોન એજન્ટ તરીકે કામ કરતો હતો. તે આંગડિયાના વ્યવહારોમાં ડેનિસ સાથે સંડોવાયેલો હતો. ડેનિશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ડાયાલાલ ધાનક (ઉ.વ. ૩૮, રાજકોટ) આ ગેંગનો એક મહત્વનો સભ્ય છે. તે અગાઉ આઇસીઆઇસીઆઇ બેંકમાં ફરજ બજાવી ચૂક્યો છે, જે તેને નાણાકીય વ્યવહારોની જાણકારીમાં મદદરૂપ થયો હશે. તે રાજકોટ ખાતેની ઓફિસને હેન્ડલ કરતો હતો. જયસુખભાઇ રામજીભાઇ જાદવભાઇ પટોળીયા (ઉ.વ. ૪૪, સુરત): આ કૌભાંડમાં તેની પણ મહત્વની ભૂમિકા હતી. એકાઉન્ટની વિગતો એકત્ર કરતો હતો. યશકુમાર કાળુભાઇ રામજીભાઇ પટોળીયા (ઉ.વ. ૨૫, સુરત): તે પણ આ ગેંગનો એક સભ્ય હતો. આંગણિયામાં ટ્રાન્સફર કરવામાં માટે જવાબદાર વ્યક્તિ.
એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન ૪૦ જેટલા નવા બેંક ખાતા મળી આવ્યા છે, જેમાં ૧૦૦૦ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે. અગાઉ ૨૬ જેટલી ફરિયાદો હતી, જે હવે એનસીસીઆરપી પોર્ટલ પર ભારતના ૨૩ રાજ્યોમાં કુલ ૧૭૧ ફરિયાદો સુધી પહોંચી ગઈ છે. આ દર્શાવે છે કે, આ કૌભાંડ સમગ્ર દેશમાં ફેલાયેલું હતું.હાલમાં ઝડપાયેલા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભીંડીના રિમાન્ડ દરમિયાન સાયબર ફ્રોડની ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવતો હતો અને તેમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સુરત સાયબર ક્રાઇમ સેલ આ આંતરરાષ્ટ્રીય ગેંગના મૂળ સુધી પહોંચવા અને ભોગ બનનાર લોકોને ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરી રહી છે.
